રાજમા ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર શાક હોય છે. જમવામાં રાજમા ચાવલ, રાજમા પરાઠા અને રાજમા રોટી સ્વાદને વધારી દે છે. ટામેટાની ગ્રેવીથી બનાવેલા રાજમા ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પંજાબી લોકોને રાજમા અને છોલે ખૂબ જ પસંદ હોય છે. જો કે, તેમની સ્ટાઈલમાં રાજમા બનાવવાની રેસિપી થોડી અલગ હોય છે. ઘણા લોકોની ફરિયાદ રહે છે કે તેમના રાજમા સારા બનતા નથી. તો આજે અમે તમને સ્વાદિષ્ટ રાજમા મસાલા બનાવવાની રેસિપી જણાવી રહ્યા છીએ. જેનાથી તમે રાજમા મસાલા સરળતાથી તૈયાર કરી શકો છો. જાણો રાજમા મસાલા બનાવવાની રેસિપી.
સામગ્રી
1 કપ રાજમા (આખી રાત પલાળીને રાખો)
1 ડુંગળી (ઝીણી સમારેલી)
2 ટામેટાં (ઝીણા સમારેલા)
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
1 ચમચી હળદર પાવડર
1 ચમચી ધાણાજીરું પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
1/2 ચમચી ગરમ મસાલો
1/2 ચમચી જીરું
1/2 ચમચી રાઈ
1/2 ચમચી હિંગ
1/2 ચમચી કોથમીર (ઝીણી સમારેલી)
મીઠું સ્વાદ મુજબ
તેલ
બનાવવાની રીત
સૌથી પહેલા રાજમાને ધોઈ લો અને પ્રેશરકૂકરમાં નાખો. પછી તેમાં 2 કપ પાણી, મીઠું અને હળદર પાવડર નાખો. કૂકરને બંધ કરો અને ગેસની મીડિયમ ફ્લેમ પર 3-4 સીટી વાગે ત્યાં સુધી પકાવો.
એક કડાઈમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરો.
જીરું જ્યારે તતડી જાય ત્યારે તેમાં ડુંગળી નાખો અને સોનેરી થાય ત્યાં સુધી સાંતળી લો. પછી તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો અને 1 મિનિટ સુધી સાંતળો.
હવે તેમાં ટામેટાં, ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર નાખો. આ બધી વસ્તુઓને બરાબર સાંતળો.
હવે બાફેલા રાજમાને આ તૈયાર કરેલા મસાલામાં નાખો. તેને સારી રીતે મિક્સ કરો અને 5 મિનિટ સુધી પકાવો. ત્યારબાદ ગરમ મસાલો અને કોથમીર નાખીને મિક્સ કરો.
તમારા રાજમા બનીને તૈયાાર છે, તેને તમે ભાત કે રોટલીની સાથે ગરમાગરમ સર્વ કરો.