વિદેશી આતંકવાદીઓને તાલિબાન હેઠળ સંપૂર્ણ આઝાદી મળી રહી છે, જેના કારણે તેઓ ઝડપથી વિકસી રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરના કોઈ સંકેતો નથી કે તાલિબાને યુદ્ધગ્રસ્ત દેશમાં વિદેશી આતંકવાદી લડવૈયાઓની પ્રવૃત્તિઓને મર્યાદિત કરવા માટે કોઈ પગલાં લીધાં હોય.
યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસના અહેવાલમાં સભ્ય દેશોની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે કે તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં આતંકવાદી જૂથો તાજેતરના ઇતિહાસમાં કોઈપણ સમય કરતાં વધુ સ્વતંત્રતા ભોગવે છે.
ખાસ કરીને ખતરનાક IS આતંકવાદી જૂથની તાકાત લગભગ બમણી થઈ ગઈ છે. IS દ્વારા ઉભા કરાયેલા ખતરા અંગેના મહાસચિવના 14મા અહેવાલ મુજબ, તાલિબાન સૈન્ય અભિયાન બાદ અફઘાનિસ્તાનમાં સુરક્ષા પરિદ્રશ્ય નાટકીય રીતે બદલાઈ ગયું છે.
તે જ સમયે, યુએનના આતંકવાદ વિરોધી વડાએ ગુરુવારે જણાવ્યું હતું કે પશ્ચિમ આફ્રિકા અને સાહેલમાં રાજકીય અસ્થિરતા વચ્ચે, ઇસ્લામિક સ્ટેટ ઉગ્રવાદી જૂથ વધતો ખતરો બની ગયો છે અને વિદેશમાં હુમલાઓ કરવા માંગે છે.
વ્લાદિમીર વોરોન્કોવે યુએનના તારણોનો પુનરોચ્ચાર કર્યો હતો કે IS આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે નોંધપાત્ર ખતરો છે, તેમ છતાં યુએનના સભ્ય દેશો દ્વારા જોખમનો સામનો કરવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.