નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દેશભરમાં નિર્માણાધીન તમામ 29 ટનલોનું સલામતી ઓડિટ કરશે જેથી તેઓ સલામતી અને ગુણવત્તાના ધોરણોનું પાલન કરે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે સાત દિવસમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
12 નવેમ્બરે ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલના એક ભાગમાં ભૂસ્ખલન થયા બાદ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે NHAI ના અધિકારીઓની એક ટીમ, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) ના નિષ્ણાતો અને અન્ય ટનલ નિષ્ણાતો દેશમાં ચાલી રહેલા ટનલ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરશે.
દેશમાં હાલમાં 29 ટનલ નિર્માણાધીન છે જેની કુલ લંબાઈ અંદાજે 79 કિલોમીટર છે. તેમાંથી 12 ટનલ હિમાચલ પ્રદેશમાં, છ જમ્મુ અને કાશ્મીરમાં, બે-બે મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન અને એક-એક મધ્યપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં છે.
NHAI એ ટનલના નિર્માણ અંગે કોંકણ રેલ્વે કોર્પોરેશન લિમિટેડ (KRCL) સાથે એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા છે. ઉત્તરકાશી જિલ્લામાં ચારધામ યાત્રા માર્ગ પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલના એક ભાગમાં 12 નવેમ્બરે ભૂસ્ખલન થતાં કામદારો ફસાયા છે. તેમને બચાવવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.