ગુજરાતની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ને સીમા પાર ડ્રગ સ્મગલિંગના કેસમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી મળી છે. એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. દિલ્હીની એક કોર્ટે સોમવારે તિહાર જેલમાં બંધ બિશ્નોઈના ટ્રાન્ઝિટ રિમાન્ડ ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડને મંજૂર કર્યા છે.
ATS ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં એક પાકિસ્તાની માછીમારીની બોટમાંથી 200 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 40 કિલો હેરોઈનની જપ્તીમાં ગેંગસ્ટરની ભૂમિકા વિશે પૂછપરછ કરવા માંગે છે.
અમને બિશ્નોઈની કસ્ટડી મળી છે – ATS અધિકારી
એટીએસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “અમને બિશ્નોઈની કસ્ટડી મળી છે અને અમારી ટીમો ગુજરાત પહોંચી રહી છે. તેને મંગળવારે સાંજ સુધીમાં કચ્છ જિલ્લાની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ગયા વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ, ગુજરાત ATSએ ભારતીય કોસ્ટ ગાર્ડ સાથેના સંયુક્ત ઓપરેશનમાં કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક દરિયામાં એક પાકિસ્તાની ફિશિંગ બોટને અટકાવી હતી અને 200 કરોડથી વધુની કિંમતનું 40 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.
પાકિસ્તાનના છ નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી
તે સમયે ‘અલ તૈયસા’ નામની બોટમાં સવાર છ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારપછીની તપાસમાં જાણવા મળ્યું કે હેરોઈન દિલ્હીના બે રહેવાસી સરતાજ મલિક અને જગ્ગી સિંહ ઉર્ફે વિરપાલ સિંહની મદદથી ઉત્તરના રાજ્યો દિલ્હી અને પંજાબમાં સડક માર્ગે પહોંચાડવાનું હતું. બાદમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત પોલીસે એમ પણ કહ્યું હતું કે નાઈજિરિયન નાગરિક સહિત બે દાણચોરોની ટોળકી દ્વારા ડ્રગની દાણચોરી કરવામાં આવી રહી હતી. આ બંને દાણચોરો પંજાબની જેલમાં બંધ છે.
ઘણા આરોપીઓ બિશ્નોઈ માટે કામ કરતા હતા
આઠ આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે ડ્રગ સ્મગલર્સ મેરાજ રહેમાની અને અની ચીફ ઓબિન્ના ઉર્ફે ચીફ (નાઈજીરીયન નાગરિકો) જેલમાં બેસીને આ રેકેટ ચલાવતા હતા. રહેમાની કપૂરથલા જેલમાં અને ઓબિન્ના અમૃતસરની જેલમાં બંધ છે. આરોપ છે કે બંને બિશ્નોઈ માટે કામ કરતા હતા.
પોલીસે અગાઉ કહ્યું હતું કે તેઓ વોટ્સએપ અને વીઓઆઈપી (ઈન્ટરનેટ ફોન) કોલનો ઉપયોગ કરીને આ રેકેટ ચલાવતા હતા.
ગુજરાત પોલીસને 2021 ના મોરબી ડ્રગ જપ્તી કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય ભરત ભૂષણ ઉર્ફે ભોલા શંકરની ભૂમિકા વિશે પણ જાણવા મળ્યું હતું જે પંજાબની જેલમાંથી ડ્રગની દાણચોરી કરી રહ્યો હતો. ભૂષણનું તાજેતરમાં જેલમાં મૃત્યુ થયું હતું.