ગરમીનો પારો વધુ ને વધુ ઉંચે જઇ રહ્યો છે અને આગામી દિવસોમાં હિટવેવ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હિટવેવના કારણે ઇમરજન્સી કેસીસમાં પણ વધારો જોવા મળ્યો છે. જેના કારણે ઝાડા,ઉલટી,ફીવરની એન્ટીબાયોટિક દવાઓનો વેચાણમાં 25 થી 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સાથે જ હિટવેવના કારણે ગ્લુકોઝનું વેચાણ પણ વધ્યું છે. ગ્લુકોઝના વેચાણમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.
અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી આસપાસ પહોંચ્યો છે. બપોરે ગરમી વધવાના કારણે લુ લાગવાના કેસિસ, હીટવેવના કારણે હીટ સ્ટ્રોકના કેસ સહિત કેસમાં વધારો થયો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં 108 એમ્બ્યુલન્સ સેવામાં રોજે રોજ આવતા કોલ્સમાં હિટ સ્ટ્રોક, હાઇ ફીવર, પેટમાં દુખાવો, ચક્કર આવવા , બેભાન થઈ જવું જેવા ઇમરજન્સી કેસમાં વધારો થયો છે ત્યારે છેલ્લા કેટલાક દિવસ થી આ બીમારીઓને લગતી દવાઓના વેચાણમાં પણ વધારો થયો છે.
આ અંગે ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઇ પટેલ જણાવ્યું હતું કે, હાલ જે રીતે ગરમી વધતી જઈ રહી છે અને 45 થી 47 ડિગ્રી જેટલું તાપમાન ગુજરાતમાં જોવા મળ્યું છે. ત્યારે હીટવેવની અસરના કારણે કેટલાક મોત પણ થયા છે. સરકાર પણ ગરમીથી બચવા માટે જાહેરાત કરી રહી છે કે બપોરે 12 થી 4 દરમિયાન જરૂરી ના હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
હીટવેવની સાથે સાથે ઇમર્જન્સી કેસ વધી રહ્યા છે તેની સાથે ડાયરિયાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે ઇલેક્ટ્રોલાઇટ પાવડર, ORS અને ગ્લુકોઝનું વેચાણ વધ્યું છે. બીજી તરફ ક્યાંક ડબલ સીઝનને પણ અનુભવ થતા શરદી ખાંસીના કેસ પણ જોવા મળી રહ્યા છે. જેના કારણે દવાઓનું વેચાણ 25 થી 30 ટકા જેટલું વધ્યું છે.
મહત્વનું છે કે, આગામી દિવસોમાં હિટવેવ યથાવત રહેવાનું છે. જેને કારણે 108 ઇમરજન્સી કોલ્સમાં પણ વધારો થયો છે. જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગએ પણ હેલ્થ સેન્ટર પર ORS નું વિતરણ શરૂ કર્યું છે.