National News: છત્તીસગઢની રાજધાની રાયપુરના ખમતરાઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સ્થિત જીમમાં કસરત કરતી વખતે 17 વર્ષના છોકરાનું મોત થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે બુધવારે સવારે 17 વર્ષનો યુવક જીમમાં દોડી રહ્યો હતો ત્યારે અચાનક તે બેભાન થઈ ગયો હતો. જે બાદ નજીકમાં જિમ કરતા લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.
જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક સત્યમ, જે 17 વર્ષનો છે, તે મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાનો રહેવાસી છે. સત્યમ ભણવા માટે રાયપુર આવ્યો હતો. તે ક્યારેક કસરત કરવા માટે જીમમાં જતો હતો. જોકે, ઘટના બાદ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી વિદ્યાર્થીની લાશ તેના પરિવારજનોને સોંપી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ સત્યમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું.
આ સમગ્ર મામલાની માહિતી આપતા ખમતરાઈ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ શિવનારાયણ સિંહે જણાવ્યું કે 17 વર્ષીય વિદ્યાર્થી સત્યમે આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હતી. સત્યમના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તેને બોડી બિલ્ડિંગનો ખૂબ જ શોખ હતો. આ જ કારણ છે કે તેણે જિમ જોઇન કર્યું. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તેને જીમમાં જવાનું શરૂ કર્યાને થોડા દિવસો જ થયા હતા.
માહિતી આપતાં જીમ સંચાલકે કહ્યું કે સત્યમે જીમનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તે ક્યારેક જ જીમમાં આવતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સત્યમ થોડો સમય કસરત કર્યા પછી પાછો જતો હતો. મળતી માહિતી મુજબ તેનો ભાઈ પણ આ જીમમાં દરરોજ કસરત કરતો હતો. જીમ ઓપરેટરના જણાવ્યા મુજબ, સત્યમ પોતાની જાતે જ કસરત કરતો હતો અને તેણે ક્યારેય ટ્રેનર સાથે તેની ચર્ચા કરી ન હતી.