વડોદરામાં રામનવમી શોભા યાત્રા દરમિયાન એક મસ્જિદ સામે તંગદિલીનો માહોલ સર્જાયો છે. અસામાજિક તત્વોએ શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી મુજબ રથયાત્રા ફતેપુરાથી નીકળે તે પહેલા તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.
પથ્થરમારો કરીને વાહનોની તોડફોડ કરી હતી
પથ્થરમારો કરીને અનેક વાહનોમાં તોડફોડ થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. જોકે, પથ્થરમારાની ઘટના બનતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સ્થાનિક પોલીસનું કહેવું છે કે અત્યારે કોઈ સમસ્યા નથી અને વિસ્તારમાં શાંતિ પ્રવર્તી રહી છે. પોલીસનું કહેવું છે કે લોકોને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને કોઈને ઈજા થઈ નથી. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
શોભાયાત્રામાં આવેલા ભક્તોએ જણાવ્યું કે, શોભાયાત્રા નીકળી રહી હતી ત્યારે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા હતા, ત્યારે અચાનક પથ્થરમારો થતાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. પથ્થરમારો કરીને વાહનોની બારીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને સ્થાનિક મહિલાઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેનાથી લોકો રોષે ભરાયા હતા.
બે જૂથો વચ્ચે ટકરાવ
વડોદરાના ડીસીપી યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મસ્જિદ સામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. તેમણે કહ્યું કે જ્યારે યાત્રા મસ્જિદની સામેથી પસાર થઈ રહી હતી ત્યારે કેટલાક લોકો એકઠા થયા હતા, પરંતુ સમજાવ્યા બાદ તેમને પાછા મોકલી દેવામાં આવ્યા હતા. વિસ્તારમાં શાંતિ છે, શોભાયાત્રા આગળ નીકળી છે.