કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી અને તેનકાસી સહિત દક્ષિણ તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં મુશળધાર વરસાદે ફરી એકવાર વિનાશ વેર્યો છે. ખેતરો, રસ્તાઓ, રહેણાંક વિસ્તારો અને પુલો ડૂબી ગયા છે. બીજા શબ્દોમાં કહીએ તો નદીઓની જેમ બધે પૂરનું પાણી વધી રહ્યું છે. તાજેતરમાં પણ, ચક્રવાત મિચોંગના કારણે, ચેન્નાઈ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભારે તબાહી સર્જાઈ હતી. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે જણાવ્યું હતું કે દક્ષિણ તમિલનાડુના 39 વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થયો છે.
થૂથુકુડી જિલ્લાના કયલપટ્ટિનમમાં સૌથી વધુ 95 સેમી વરસાદ નોંધાયો હતો. IMD એ તેનકાસી, થુથુકુડી, તિરુનેલવેલી અને કન્યાકુમારી જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરતા કહ્યું છે કે આગામી 24 કલાકમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન, કન્યાકુમારી જિલ્લાના ઓઝુગિનચેરીમાં પૂરના પાણીનું સ્તર ચાર ફૂટથી વધુ પહોંચી ગયું છે.
તિરુનેલવેલી જિલ્લામાં લોકો બે માળના મકાનોની છત પર આશ્રય લઈ રહ્યા છે કારણ કે તેમના ઘરમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમણે આવી સ્થિતિ પહેલા ક્યારેય જોઈ નથી.બીજી તરફ મુખ્ય સચિવ શિવ દાસ મીણાએ પત્રકારોને જણાવ્યું કે વરસાદ અને પૂરના કારણે આર્મી, નેવી અને એરફોર્સની મદદ લેવામાં આવી છે. તેમણે કહ્યું કે બચાવ અને રાહત કામગીરી માટે 84 બોટ તૈનાત કરવામાં આવી છે.
સરકારે 18 ડિસેમ્બરે ચારેય જિલ્લામાં જાહેર રજા જાહેર કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે થૂથુકુડી જેવા વિસ્તારો માટે વધારાની બોટ તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાંથી ઓછામાં ઓછા 7,500 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને 84 રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. NDRF અને SDRFના જવાનો, ફાયર વિભાગ અને પોલીસની ટીમોએ ભારે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢીને શાળાઓ અને અન્ય જાહેર સ્થળોએ ખસેડ્યા હતા.
બીજી તરફ, દક્ષિણ રેલ્વેએ જણાવ્યું કે તિરુનેલવેલી-તિરુચેન્દુર સેક્શનમાં શ્રીવૈકુંતમ અને સેદુંગાનાલ્લુર વચ્ચે ટ્રાફિક ખોરવાઈ ગયો છે. અહીં રેલવે ટ્રેક પર પાણી વહી રહ્યું છે અને ઘણી જગ્યાએ માટી ધસી ગઈ છે. દક્ષિણના પ્રદેશોથી ચાલતી ઘણી ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.
આ પણ જાણી લો
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાજ્યના દક્ષિણ ભાગોમાં વરસાદ અને પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે 19 ડિસેમ્બરે તેમની સાથે મુલાકાતની માંગ કરી છે. તમિલનાડુના થૂથુકુડી જિલ્લાના શ્રીવૈકુંતમમાં પૂરના કારણે લગભગ 800 રેલવે મુસાફરો ફસાયેલા છે. તિરુચેન્દુરથી ચેન્નાઈ જતી એક્સપ્રેસ ટ્રેન અહીં લગભગ 20 કલાકથી અટવાઈ છે.
લગભગ 500 મુસાફરો શ્રીવૈકુંતમ રેલ્વે સ્ટેશન પર અને 300 જેટલા મુસાફરો નજીકની શાળામાં રોકાયા છે. મુલ્લાપેરિયાર ડેમનું જળસ્તર વધતાં સત્તાવાળાઓએ હવે ત્યાંથી વધારાનું પાણી છોડવાનો નિર્ણય લીધો છે. 125 વર્ષ જૂના આ ડેમની મહત્તમ સંગ્રહ મર્યાદા 142 ફૂટ છે. સત્તાવાળાઓએ આસપાસના વિસ્તારોને ખાલી કરવાની ચેતવણી જારી કરી છે.