વિજાપુર તાલુકાના હિરપુરા ગામે તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પતિએ વ્યાજખોરોના ત્રાસથી દવા ગટગટાવી લઈને આપઘાત કરી લેતાં ચકચાર ફેલાઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં વ્યાજખોરો સામે આક્રોશ ફેલાયો છે અને તેઓની સામે પગલા ભરવાની માંગ કરી છે. જેમાં એક રાજકીય આગેવાન સહિત કેટલાક વ્યાજખોરોના નામ ખૂલે તેવી સંભાવના જણાય છે. આ અંગે પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
વિજાપુર તાલુકા પંચાયતના પૂર્વ કોંગ્રેસના પ્રમુખ અમીતાબેન પટેલના પતિ પટેલ મનોજકુમાર શંકરભાઈ રહે, પટેલ વાસ હિરપુરાએ સોમવારે એકાએક ઝઠેરી દવા ગટગટાવી લઈને જીવન ટુંકાવી લીધું હતું. જેમાં પરિવારજનોએ તેઓને વિજાપુર શહેરના એક રાજકીય પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા આગેવાન સહિત કેટલાક વ્યાજખોરોનો સતત ત્રાસ આપવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. સતત ફોન ઉપર મનોજભાઈને ધમકીઓ આપવામાં આવતી હોવાના કોલ રેકોર્ડીંગ પણ પરિવાર પાસે હોવાનું સામે આવ્યું છે.
તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિજાપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જયાં મૃતકના પરિવારજનો, ગ્રામજનો અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. એક તબક્કે જયાં સુધી આરોપીઓને પકડી ન્યાય આપવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો પરિવારે નનૈયો કરી દીધો હતો.આ ઘટનાને પગલે પરિવારમાં શોકફેલાયોછે અનેફરીયાદ નોંધાવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. નોંધપાત્ર છે કે, મૃતકના પરિવારજનોએ વ્યાજખોરો સામે પોતાનો રોષ વ્યક્ત કરી ન્યાય આપવાની માંગણી ક રી છે.