Food News: બ્રેડે આપણું જીવન કેટલું સરળ બનાવી દીધું છે. તમે બ્રેડમાંથી બનેલી અનેક પ્રકારની વાનગીઓ ખાધી હશે. બ્રેડ ઝડપી નાસ્તાની લિસ્ટમાં સૌથી ઉપર છે. જામ બ્રેડ, ટોસ્ટ, સેન્ડવીચ, કટલેટ, બ્રેડ પકોડા આ બધું જ તમે બ્રેડની મદદથી સરળતાથી અને ઝડપથી બનાવી શકો છો. બ્રેડ ટોસ્ટમાં તો તમારી પાસે ઘણા વિકલ્પો છે. તમે નોર્મલ ટોસ્ટ, ફ્રેન્ચ ટોસ્ટ ખાધાં જ હશે. પણ શું તમે દેશી વેજી ટોસ્ટ ટ્રાય કર્યા છે? જો “ના” તો તમે સોજી બ્રેડ ટોસ્ટને ટ્રાય કરી શકો છો.
સોજીના ટોસ્ટને નાસ્તામાં સરળતાથી બનાવી શકાય છે. સોજીના ટોસ્ટને તમે સવારના નાસ્તમાં તો બનાવી જ શકો છો, સાથે તમે તેને બાળકોના લંચ બોક્સમાં પણ પેક કરી આપી શકો છો. આ રેસિપીમાં સોજી અને દહીંનો ઉપયોગ થાય છે. ખાવામાં સ્વાદિષ્ટ આ રેસિપીમાં તમે મસાલાની સાથે તમારી પસંદગી મુજબ હેલ્ધી શાકભાજીનો સમાવેશ કરી શકો છો. ચાલો જાણીએ સોજી બ્રેડ ટોસ્ટ બનાવવાની રેસિપી.
સામગ્રી
સોજી 1 કપ
દહીં 1 કપ
લીલા મરચા 2
ડુંગળી 1
ટામેટું 1
મીઠું
કોથમીર
પાણી
બ્રેડ
ચીલી ફ્લેક્સ
તેલ 2 ચમચી
રાઈ 1 ચમચી
મીઠો લીમડો
સોજી બ્રેડ ટોસ્ટ બનાવવાની રીત
સોજી બ્રેડ ટોસ્ટ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં સોજી, દહીં, સમારેલી ડુંગળી, સમારેલા ટામેટા, સમારેલા લીલા મરચાં, મીઠું, સમારેલી કોથમીર, પાણી નાખીને બરાબર બધી વસ્તુઓને એકસાથે મિક્સ કરીને જાડી પેસ્ટ તૈયાર કરી લો.
હવે બ્રેડ સ્લાઈસ પર આ તૈયાર કરેલી પેસ્ટ લગાવીને ઉપરથી સમારેલા ટામેટાં અને ચીલી ફ્લેક્સ નાખી દો. આ પછી એક કડાઈમાં ટોસ્ટનું ટેમ્પરિંગ બનાવવા માટે તેલ ગરમ કરો.
આ તેલમાં રાઈ અને મીઠો લીમડો નાખ્યા બાદ તેમાં બ્રેડ નાખી દો. હવે બ્રેડની બીજી બાજુ પણ પેસ્ટ લગાવી લો અને થોડા સમય પછી પલટાવીને તેને પણ સારી રીતે શેકી લો. તૈયાર છે તમારા સ્વાદિષ્ટ સોજી બ્રેડ ટોસ્ટ.