પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી ઈદલા જેલમાં આપવામાં આવેલ ભોજન ખાધા બાદ બીમાર પડી ગઈ છે. બુશરા તોશાખાના અને ‘નોન-ઈસ્લામિક’ નિકાહ કેસમાં જેલમાં છે.
બુશરાનો જીવ જોખમમાંઃ મરિયમ રિયાઝ
બુશરાની બહેન મરિયમ રિયાઝ વટ્ટુએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાનની પૂર્વ પ્રથમ મહિલાનો જીવ જેલમાં ખતરામાં છે. બુશરા બીબીની બહેને કહ્યું કે મારી બહેનની હાલત હજુ પણ ખરાબ છે. તેણી પીડામાં છે અને છેલ્લા છ દિવસથી કંઈપણ ખાઈ શકતી નથી.
જેલમાં અપાય છે હાનિકારક ખોરાક
ARY ન્યૂઝ અનુસાર વટ્ટુએ આરોપ લગાવ્યો હતો કે બુશરા બીબીને જેલમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક આપવામાં આવ્યો હતો અને સાથે જ કહ્યું હતું કે તેમને ઘરનું રાંધેલું ભોજન ખાવા દેવામાં આવતું નથી. તેમણે અધિકારીઓને આ મામલે તપાસ કરવાની પણ માંગ કરી છે.
વટ્ટુએ કહ્યું કે અમને ડર છે કે બુશરા બીબીને કંઈક હાનિકારક ખોરાક આપવામાં આવ્યો છે અને દોષિતોને ન્યાય અપાવવાની જવાબદારી અધિકારીઓની છે.
વટ્ટુએ વધુમાં કહ્યું કે તેની બહેન પીટીઆઈના સ્થાપક (ઈમરાન ખાન)ની વિરુદ્ધ ક્યારેય ન હોઈ શકે. બુશરાની બહેને કહ્યું, “તે ખાન સાહબની સાથે છે અને તે હંમેશા ખાન સાહબની સાથે રહેશે.”
સાત વર્ષની સજા
આ મહિનાની શરૂઆતમાં, એક ટ્રાયલ કોર્ટે ઈમરાન ખાન અને બુશરા બીબીને “બિન-ઈસ્લામિક લગ્ન” કેસમાં દરેકને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. ન્યાયાધીશે બુશરા બીબીના પૂર્વ પતિ ખાવર મેનકા દ્વારા ઈમરાન ખાન સાથેના તેના બિન-ઈસ્લામિક અને ગેરકાયદેસર લગ્ન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી સંબંધિત કેસમાં કોર્ટનો ચુકાદો સંભળાવ્યો હતો.
પોતાની અરજીમાં ખાવર મેનકાએ ઈમરાન ખાન અને બુશરા બીબીના લગ્નને ‘છેતરપિંડી’ ગણાવી હતી અને તેના છૂટાછેડા પછી ‘ઈદ્દત’ દરમિયાન લગ્ન થયા હોવા પર ભાર મૂક્યો હતો.
જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, મેનકા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત નિકાહ અને લગ્ન સમારંભ ન તો કાયદેસર હતો અને ન તો ઇસ્લામિક કારણ કે તે ઇદ્દત અવધિનું પાલન કર્યા વિના કરવામાં આવી હતી.