સિટી કવરેજ ટીમ ડિજિટલ
citycoverage.in
જૂનાગઢ જિલ્લામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌ-શાળા પાંજરાપોળના હયાત ગાય અને ભેંસ વર્ગના પશુઓના નિભાવ સહાયની ચૂકવણી કરવામાં આવી છે.
એપ્રિલ થી જૂન-૨૦૨૩ અને જુલાઈ થી સપ્ટેમ્બર-૨૦૨૩ના ત્રિમાસીક સમય ગાળા માટે જિલ્લાની પાત્રતા ધરાવતી ૧૮૦ જેટલી સંસ્થાઓના અનુક્રમે પશુઓ ૧૩૧૩૮ અને ૧૨૨૩૯ મળી કુલ પશુઓ ૨૫૩૭૭ માટે કુલ રૂ.૬.૯૬ કરોડનું ચુકવણું ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્રારા DBTના માધ્યમથી બેંક ખાતામાં જમા થઈ ગયેલ છે તેમજ માહે ઓક્ટોબર થી ડિસેમ્બર-૨૦૨૩ અને માહે જાન્યુઆરી થી માર્ચ-૨૦૨૪ માટેના બન્ને ત્રિમાસીક સમય ગાળા માટે પણ જિલ્લાની પાત્રતા ધરાવતી સંસ્થાઓના પશુઓ માટે ઠરાવની જોગવાઈ મુજબ સહાય ચુકવવા અંગેની કાર્યવાહી આગામી સપ્તાહમાં હાથ ધરશે.
કલેક્ટર અનિલકુમાર રાણાવસીયા અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાનની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” માટે જૂનાગઢ જિલ્લાની પાત્રતા ધરાવતી સંસ્થાઓ ખાતેના હયાત પશુઓને ઠરાવની જોગવાઈ મુજબ સહાય ચુકવવા બેઠક યોજાઈ હતી. જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર અને જિલ્લા પશુપાલન સમિતિના ચેરમેન જાવીયાના માર્ગદર્શનમાં પણ જિલ્લામાં પશુ સંવર્ધન માટે જરૂરી કાળજી લેવામાં આવી રહી છે.
વધુમાં જણાવવાનું કે, આ યોજાનાનો લાભ લેવા યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ પાત્રતા ધરાવતી સંસ્થાઓને ત્રિ-માસિક સમયગાળા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓન લાઈન અરજી કરવાની રહે છે તેમજ સંસ્થાઓ ખાતે નિભાવવામાં આવતા પશુઓ માટે પ્રતિ દિન, પ્રતિ પશુ, રૂ.૩૦/-લેખે સહાય ચુકવવામાં આવે છે.
ગોકુલેશ ગૌ શાળાના નિલેશભાઈ આરદેસણા અને શરદભાઈ મેંદપરા જણાવે છે કે, સરકારશ્રી દ્રારા “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના માધ્યમથી ગૌ-શાળાના હયાત પશુઓ માટે નિભાવ સહાય આપી મુંગા પશુધન માટે ઉમદા કામ થઈ રહ્યું છે. આ સહાય સંસ્થાઓ ખાતેના પશુઓના ચારા તથા પાણી, બિમાર પશુઓની સારવાર તેમજ પશુઓની માવજત માટે ખુબ આશિર્વાદ રૂપ સાબિત થઈ છે અને ગ્રામજનો અને સંસ્થાના સંચાલકો પશુઓના નિભાવ માટેની યોજનાની મળતી સહાયથી સંસ્થાઓ ખાતે પશુનિભાવ સરળ બન્યો છે તેમ જણાવતા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ યોજના બિનવારસુ ગૌવંશના નિયંત્રણ માટે પણ આશિર્વાદ સમાન સાબિત થઈ છે.
મહાનગરપાલિકા જૂનાગઢ દ્રારા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફીકને અને રાહદારીઓને અડચણ રૂપ થતા ૮૪૬ જેટલા બીનવારસી ગૌવંશના પશુઓને “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” નો લાભ લેતી સંસ્થાઓ ખાતે મુકવામાં આવેલ છે અને તેનો સ્વિકાર અને નિભાવ સંસ્થાઓ દ્રારા કરવામાં આવે છે.