ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓન કેમિસ્ટ્રી ઓફ સિમેન્ટ (ICCC) નું ભારતમાં 2027માં આયોજન કરવામાં આવશે. ભારતની અગ્રણી સંશોધન અને શૈક્ષણિક સંસ્થા, નેશનલ કાઉન્સિલ ફોર સિમેન્ટ એન્ડ બિલ્ડીંગ મટિરિયલ્સ, IIT દિલ્હીના સહયોગથી, બેંગકોકમાં ચાલી રહેલી 16મી ICCC દરમિયાન કોન્ફરન્સની યજમાનીનો ભારતનો દાવો સ્ટીયરિંગ કમિટીના સભ્યો સમક્ષ રજૂ કર્યો અને જરૂરી સમર્થન મેળવ્યું. ભારત ઉપરાંત સ્વિત્ઝર્લેન્ડ અને સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પણ કોન્ફરન્સની યજમાની માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો. ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓન કેમિસ્ટ્રી ઓફ સિમેન્ટ એ તેના પ્રકારની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ઇવેન્ટ છે, જે સિમેન્ટ અને કોંક્રિટના ક્ષેત્રમાં સંશોધનની પ્રગતિની સમીક્ષા કરે છે.
1918 થી, આ પરિષદ સામાન્ય રીતે ચાર થી છ વર્ષના અંતરાલમાં યોજાય છે. તે એકેડેમિયા અને સિમેન્ટ ઉદ્યોગ વચ્ચે મજબૂત અને ફળદાયી સંબંધ બાંધવામાં ભૂમિકા ભજવે છે. અગાઉ 1992માં દિલ્હીમાં 9મી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે હાલની 16મી કોન્ફરન્સ થાઈલેન્ડના બેંગકોકમાં 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહી છે.