અત્યાર સુધી આપણે ધૂળ અને પાણી સામે રક્ષણ આપનારા પેઈન્ટ વિશે સાંભળ્યું હતું, પણ હવે ભારતીય મૂળના વૈજ્ઞાનિકે ફલોરિડામાં નવો હીટ-રિપેલિંગ ગુણો ધરાવતો દુનિયાનો સૌથી ઓછા વજનનો એકદમ હળવો પેઈન્ટ વિકસીત કર્યો છે. આ પેઈન્ટ લાંબા સમય સુધી ટકવાની સાથે ગરમીથી પણ બચાવે છે. યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફલોરિડાના નેનો સાયન્સ ટેકનોલોજી સેન્ટરમાં પ્રોફેસર દેબાશિષ ચંદ્રએ એક ખાસ પ્રકારનો પેઈન્ટ વિકસીત કર્યો છે. આ પેઈન્ટ વજનમાં ખૂબ જ હલકો છે. હવે બોઈંગ વિમાનને પેઈન્ટ કરવા માટે ફકત ૧.૩૦ કિલોગ્રામ પેઈન્ટની જરૂર પડશે. સામાન્ય રીતે આ વિશાળકાય વિમાનને પેઈન્ટ કરવા માટે કુલ ૪૫૩ કિલોગ્રામ પેઈન્ટનો વપરાશ થાય છે.
પ્રકૃતિ પ્રેમી પ્રોફેસરના મતે, પ્રકૃતિમાં અનેક રંગો હાજર છે. જે પક્ષીઓ, ફૂલો, પતંગિયાઓ અને માછલીઓમાં જોવા મળે છે. આ પેઈન્ટ માટે તેમણે પતંગિયાના રંગો પાસેથી પ્રેરણા લીધી છે. આ રંગો માટે પિગમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પેઈન્ટમાં રંગોની જગ્યાએ નેનો પાર્ટિકલ્સ નાખવામાં આવ્યા છે. આ પેઈન્ટને પ્લાસમોનિક પેઈન્ટ નામ આપવામાં આવ્યું છે.
પ્લાસમોનિક પેઈન્ટ દરેક પ્રકારના ઈન્ફ્રારેડ સ્પેક્ટ્રમને રિફલેક્ટ કરી દે છે. જેના કારણે ગરમી દૂર ફેંકાઈ જાય છે. આ રંગમાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઓછું થશે, કારણ કે આ પેઈન્ટ સામાન્ય પેઈન્ટ કરતા ૧૩ થી ૧૬ ડિગ્રી સેલ્સિયસ ઠંડો છે. અમેરિકામાં ઊર્જા વપરાશના લગભગ ૧૦ ટકા વીજળીની ખપત એર કંડિશનરને ચલાવવામાં થાય છે. આ પેઈન્ટને કારણે તેમાં કમી આવશે.