ચીન સંબંધિત જોખમોને ઘટાડવાની વૈશ્વિક વ્યૂહરચનાનો લાભ લેવા માટે ભારત પાસે બે-ત્રણ વર્ષ છે. નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે શુક્રવારે જણાવ્યું હતું કે કંપનીઓને ભારતમાં સ્થળાંતર કરવાનું આકર્ષક અને સરળ બનાવે તેવી નીતિઓ ઘડતી વખતે સરકારે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે.
એક કાર્યક્રમમાં બોલતા સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અને દેશમાં કામ કરતા યુવાવર્ગની વસ્તીને કારણે ભારત સારી સ્થિતિમાં છે. તેથી મને લાગે છે કે આગામી 15 થી 20 વર્ષોમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ભારત પાસે તક છે. પરંતુ, આને શરૂ કરવા માટે મહત્તમ બે-ત્રણ વર્ષનો સમય છે, કારણ કે સપ્લાય ચેન ખુલી રહી છે અને તે ટૂંકી થઈ રહી છે. હવે તેઓ નવી જગ્યા શોધી રહ્યા છે.
સુબ્રમણ્યમે કહ્યું કે, માત્ર બિન-ચીની કંપનીઓ જ નહીં, પરંતુ ચાઈનીઝ કંપનીઓ પણ મજૂરોની અછતને કારણે બહાર જવા માંગે છે. ચીનમાં માંગનો અભાવ છે. આ શ્રમ પુરવઠાનો અભાવ, શ્રમ ખર્ચમાં વધારો અને તણાવગ્રસ્ત મૂડી બજારોને કારણે છે.