IPL 2024: KKR સામેની મેચમાં ઓલઆઉટ થઈને પણ RCBએ રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટમાં બનાવ્યો રેકોર્ડ

IPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ માટે આ સિઝનમાં પ્રથમ વખત આઈપીએલ ટાઈટલ જીતવાનું સપનું લગભગ ચકનાચૂર થઈ ગયું છે. IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં RCBની 1 રનથી હાર આ સિઝનમાં તેમની 8 મેચમાં 7મી હાર હતી, જેના પછી તેમના માટે પ્લેઓફમાં પહોંચવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. આ મેચમાં KKRની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 222 રન બનાવ્યા હતા. જ્યારે જીતવા માટે 223 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી RCB તેની ઇનિંગના છેલ્લા બોલ પર 221 રન બનાવીને પાછળ પડી ગઈ હતી. આ મેચમાં ભલે આરસીબીને હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ તેણે ટી20 ક્રિકેટમાં ચોક્કસપણે એક મોટો રેકોર્ડ બનાવ્યો.

સૌથી મોટા ટોટલ પર ઓલઆઉટ થવાનો રેકોર્ડ હવે RCBના નામે છે

આ મેચમાં જ્યારે RCB ટીમ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે તેણે 35ના સ્કોર સુધી પોતાના બંને ઓપનિંગ બેટ્સમેન ગુમાવ્યા હતા. અહીંથી વિલ જેક્સ અને રજત પાટીદાર વચ્ચે ત્રીજી વિકેટ માટે 102 રનની ભાગીદારી જોવા મળી હતી. જેક્સ 55 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા બાદ આરસીબીએ ઝડપી ગતિએ વિકેટો ગુમાવવાનું શરૂ કર્યું. જેના કારણે છેલ્લી ઓવરમાં RCBને જીતવા માટે 21 રનની જરૂર હતી અને તેણે 8 વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં કરણ શર્માએ સ્ટાર્કની ઓવરના પહેલા 4 બોલમાં ત્રણ સિક્સર ફટકારીને મેચને રોમાંચક બનાવી દીધી હતી પરંતુ તે પાંચમા બોલ પર આઉટ થઈ ગયો હતો. હવે આરસીબીને જીતવા માટે છેલ્લા બોલ પર ત્રણ રન બનાવવાના હતા, પરંતુ તે માત્ર એક રન બનાવી શક્યું અને બીજો રન પૂરો કરવાના પ્રયાસમાં તેણે તેની ઇનિંગની છેલ્લી વિકેટ પણ ગુમાવી દીધી. ભલે RCBને 221ના સ્કોર પર પરાજયનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ તેમને T20 ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર પર ઓલઆઉટ થવાનો રેકોર્ડ ચોક્કસપણે મળી ગયો.

T20 ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર પર ઓલઆઉટ થઈ ગયેલી ટીમો

  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – 221 રન (વિ. કોલકાતા નાઈટ રાઈડર્સ, 2024)
  • શ્રીલંકા આર્મી – 218 રન (વિ નેગેમ્બો સીસી, 2018)
  • કેન્ટ – 217 રન (વિ. ગ્લુસેસ્ટરશાયર, 2015)
  • સરે – 215 રન (વિ. ગ્લેમોર્ગન, 2015)
  • જમૈકા થેલોઝ – 211 રન (વિ. સેન્ટ લુસિયા કિંગ્સ, 2021)

KKR એ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં તેની 50મી જીત નોંધાવી

કોલકાતા નાઈટ રાઈડર્સે RCB સામેની મેચમાં 1 રનના માર્જીનથી વિજય મેળવ્યો હોવાથી, તે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આઈપીએલમાં તેમની 50મી જીત હતી. IPL ઈતિહાસમાં એક મેદાન પર 50 મેચ જીતનારી મુંબઈ ઈન્ડિયન્સ પછી KKR હવે બીજી ટીમ બની ગઈ છે. તે જ સમયે, IPL ઈતિહાસમાં KKR દ્વારા રનના માર્જિનથી આ સૌથી નજીકની જીત છે. આ પહેલા 2014ની IPL સિઝનમાં તેણે RCB સામે 2 રનના માર્જીનથી મેચ જીતી હતી.

Google search engine