ખાલિસ્તાન તરફી આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં મડાગાંઠ પર વિદેશ પ્રધાન એસ જયશંકર અને તેમના કેનેડિયન સમકક્ષ મેલાની જોલી વચ્ચે ગુપ્ત વાતચીત થઈ હતી. સપ્ટેમ્બરમાં જયશંકરની અમેરિકા મુલાકાત દરમિયાન વોશિંગ્ટનમાં આ વાત થઈ હતી.
આ વાતચીતમાં જયશંકરે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું અને તે પછી કેનેડાનું વલણ બદલાવા લાગ્યું અને તેના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનો સ્વર બદલાઈ ગયો. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે.
બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ
ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, બંને દેશો વચ્ચેના સંબંધો એ હદે બગડી ગયા હતા કે ભારતે કેનેડાથી આવતા લોકો માટે વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
ઉપરાંત, ભારતે નવી દિલ્હીમાં કેનેડિયન દૂતાવાસને રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા માટે કહ્યું હતું. આના કારણે કેનેડાએ તેના 62 રાજદ્વારીઓમાંથી ત્રણ ડઝનથી વધુની નવી દિલ્હીથી બદલી કરવી પડી હતી. આમાંથી કેટલાક રાજદ્વારીઓની નવી દિલ્હીથી બદલી પણ કરવામાં આવી છે, પરંતુ બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચેની વાતચીત બાદ સંબંધોમાં કડવાશ ઓછી થઈ છે અને હવે રાજદ્વારીઓની બદલીની પ્રક્રિયા ધીમી પડી છે.
ભારત અને કેનેડા વચ્ચે ગુપ્ત બેઠક
ભારત અને કેનેડાના વિદેશ મંત્રાલયોએ આ ગુપ્ત બેઠક અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે જયશંકર સપ્ટેમ્બરના છેલ્લા દિવસોમાં પાંચ દિવસ માટે અમેરિકા ગયા હતા.