જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકી હુમલા થઈ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં રિયાસી, કઠુઆ અને ડોડા એમ ત્રણ સ્થળોએ આતંકવાદી હુમલા થયા છે. હવે રાજૌરીના નૌશેરા સેક્ટરમાં બે આતંકીઓને જોવાનો મામલો સામે આવ્યો છે.
સુરક્ષા દળોએ અહીં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જમ્મુમાં ચાર સ્થળોએ એક સાથે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
9 જૂને રિયાસીમાં પહેલો હુમલો
સૌથી પહેલા 9 જૂને જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકીઓએ તીર્થયાત્રીઓની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલો 9 જૂને સાંજે 6.15 વાગ્યાની આસપાસ થયો હતો. ઓચિંતો છાપો મારીને બેઠેલા આતંકવાદીઓએ બસ પર ફાયરિંગ કર્યું હતું, જે બાદ બસ કાબૂ બહાર ગઈ હતી અને ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. બસ પર હુમલો કરનાર આતંકવાદીઓ પહાડી વિસ્તારમાં છુપાયા હતા.
કઠુઆ હુમલામાં 2 આતંકવાદીઓ માર્યા ગયા
આ પછી, મંગળવારે આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરના કઠુઆના એક ગામમાં ઘૂસ્યા. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.
કઠુઆ જિલ્લાના એક ગામમાં આતંકવાદી હુમલા બાદ સુરક્ષાદળોનું ઓપરેશન શરૂ થયું હતું. આ જિલ્લાના હીરાનગર સેક્ટરના સૈદા સુખલ ગામમાં મંગળવારે સાંજે આતંકીઓએ હુમલો કર્યો હતો. સુરક્ષાદળોના ઓપરેશનમાં સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો છે.
કઠુઆમાં મંગળવારે સાંજે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં જમ્મુ-કાશ્મીરના બે ડીઆઈજી રેન્ક અને એસએસપી રેન્કના અધિકારીઓની કારને પણ નુકસાન થયું હતું. આ હુમલામાં આ અધિકારીઓનો આબાદ બચાવ થયો હતો.
ડોડામાં પણ આતંકી હુમલો થયો હતો
આ પછી જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં પણ આતંકીઓએ હુમલો કર્યો હતો. ત્રણ દિવસમાં આ ત્રીજો હુમલો છે. ડોડામાં સેનાના કામચલાઉ ઓપરેટિંગ બેઝ પર આતંકીઓએ ગોળીબાર કર્યો, ત્યારબાદ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ.
ડોડાના છત્રકલામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા ગોળીબારમાં સેનાના પાંચ જવાનો સહિત કુલ છ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોમાં એક સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) પણ સામેલ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાશ્મીર ટાઈગર નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.
આતંકવાદી હુમલાઓ અચાનક કેમ વધી રહ્યા છે?
જમ્મુ અને કાશ્મીરમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે. આ વિધાનસભા ચૂંટણી પહેલા આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ભય ફેલાવવા માંગે છે. તેથી આતંકવાદીઓએ ઝડપી હુમલો કર્યો છે.
ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ અનુસાર, ફાલ્કન સ્ક્વોડ તરીકે ઓળખાતી TRFની ઑફશૂટ હિટ સ્કવોડ આવા હુમલાઓ કરે છે. આતંકવાદીઓની આ ગેંગમાં વિદેશી આતંકવાદીઓ પણ સામેલ છે.
આ સિવાય હાલના દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની લાંબી કતારો પણ પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના નેતાઓને પરેશાન કરી રહી છે. તેથી, આ તત્વો કોઈપણ ભોગે ઘાટીમાં શાંતિનું વાતાવરણ ડહોળવા માંગે છે.
ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં પ્રસ્તાવિત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને નિશાન બનાવવાના ઈરાદાથી પાકિસ્તાનના ઉશ્કેરણી પર આ હુમલા કરવામાં આવી રહ્યા છે. ISI જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી સંબંધિત ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યું છે. અહેવાલ છે કે આ હુમલાનું કાવતરું પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ઘડવામાં આવ્યું હતું.
ભારતની ગુપ્તચર એજન્સીનું માનવું છે કે આવનારા દિવસોમાં જમ્મુ-કાશ્મીર અને ખાસ કરીને જમ્મુમાં આ જ પ્રકારનો આતંકવાદી હુમલો થઈ શકે છે.