મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે ફરાર ડ્રગ માફિયા કૈલાશ રાજપૂતના ભાઈ કમલ રાજપૂતની ધરપકડ કરી હતી. કૈલાશ ભારતમાં નાર્કોટિક્સના સૌથી મોટા સપ્લાયર તરીકે ઓળખાય છે અને પોલીસ લાંબા સમયથી તેની શોધ કરી રહી હતી. ફરાર ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથે કૈલાશ રાજપૂતના સંબંધો પણ સામે આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કમલ ભારતમાં રહે છે અને તેના ભાઈ વતી ડ્રગ્સનો કારોબાર સંભાળે છે. તેના પર કાર્ગો પ્લેનમાં કેટામાઈન ડ્રગને છુપાવીને ઓસ્ટ્રેલિયા અને બ્રિટન મોકલવાના પ્રયાસ સંબંધિત કેસમાં સામેલ હોવાનો આરોપ છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ખંડણી વિરોધી સેલે આ વર્ષે માર્ચમાં આ કેસમાં મોટી જપ્તી કરી હતી.
કમલ રાજપૂત સામે આ કેસમાં નવમી ધરપકડ છે. અગાઉ મે મહિનામાં મુંબઈ પોલીસે આ કેસમાં અલી અસગર શિરાઝીની ધરપકડ કરી હતી. આ પછી ક્રાઈમ બ્રાન્ચે કમલ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો હતો, જેથી તે દેશ છોડીને ના જાય.
અહેવાલ છે કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વસઈ વિસ્તારમાંથી કમલની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. આ પછી કોર્ટે કમલ રાજપૂતને 30 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.