ખાલિસ્તાન સમર્થકો અમેરિકાથી લઈને કેનેડા અને લંડનમાં ભારતીય દૂતાવાસોને સતત નિશાન બનાવી રહ્યા છે. પરંતુ હજુ સુધી ખાલિસ્તાનીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ વખતે ખાલિસ્તાન સમર્થકોએ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં આગચંપી કરવાની ઘટનાને અંજામ આપ્યો છે. અમેરિકી સરકારે આ હુમલાની નિંદા કરી છે. આ સાથે જ કેસની તપાસ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)ને સોંપવામાં આવી છે. ભારત સરકારે કડક વલણ અપનાવતા ખાલિસ્તાનીઓ દ્વારા કોન્સ્યુલેટ પર થયેલા હુમલાની નિંદા કરી છે.
વાણિજ્ય દૂતાવાસમાં આગચંપીની આ ઘટના પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે ટ્વીટ કરીને ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે અમેરિકા સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ સામે કથિત તોડફોડ અને આગચંપીના પ્રયાસની સખત નિંદા કરે છે. યુ.એસ.માં વિદેશી રાજદ્વારીઓ સામે તોડફોડ અથવા હિંસા એ ગુનો છે.
આ ઘટના 2 જુલાઈના રોજ સવારે 1.30 વાગ્યે બની હતી, જ્યારે બે ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય કોન્સ્યુલેટને આગ લગાવી દીધી હતી. જો કે, અહેવાલો અનુસાર, આગને કારણે થયેલ નુકસાન વધુ ન હતું અને કોઈ કર્મચારીને ઈજા થઈ ન હતી.
SFJના આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો
ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં આ ઘટના શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ 8 જુલાઈથી વિદેશમાં ભારતીય દૂતાવાસોને ઘેરવાની જાહેરાત કર્યાના બીજા જ દિવસે કરવામાં આવી હતી. 6 મહિનામાં ભારતીય કોન્સ્યુલેટ પર ખાલિસ્તાન સમર્થકોનો આ બીજો હુમલો છે. હુમલા બાદ ભારતીય સંસ્થાઓને એલર્ટ પર રાખવામાં આવી છે. જોકે, સાન ફ્રાન્સિસ્કો ફાયર વિભાગ દ્વારા આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી. કર્મચારીઓને કોઈ મોટું નુકસાન કે ઈજા થઈ નથી. સ્થાનિક, રાજ્ય અને ફેડરલ સત્તાવાળાઓને સૂચિત કરવામાં આવ્યા છે. અમેરિકી વિદેશ વિભાગે હિંસાના આ કૃત્યની સખત નિંદા કરી છે.