ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન એક દિવસ પહેલા જ લોન્ચ કરવામાં આવેલા સૈન્ય જાસૂસી ઉપગ્રહના પ્રક્ષેપણમાં નિષ્ફળતા બાદ નારાજ છે. આથી ઉત્તર કોરિયાએ દરિયાઈ વિસ્તારમાં મિસાઈલોનો વરસાદ કરીને હલચલ મચાવી દીધી છે. કિમ જોંગની સેનાએ ગુરુવારે તેના પૂર્વી જળસીમા તરફ અનેક શંકાસ્પદ બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી. જેના કારણે દક્ષિણ કોરિયામાં ખળભળાટ મચી ગયો હતો. દક્ષિણ કોરિયાની સેનાએ મિસાઇલોની ગુંજ સાંભળીને અને જોયા બાદ આ માહિતી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયાએ આ કાર્યવાહી લશ્કરી જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરવામાં નિષ્ફળતાના એક દિવસ બાદ કરી હતી.
દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઑફ સ્ટાફે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ રાજધાની પ્યોંગયાંગની નજીકના વિસ્તારમાંથી લગભગ 10 અસ્ત્રો છોડ્યા હતા, જે ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઈલ હોવાનું જણાય છે. સૈન્યએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના પૂર્વ કિનારે પાણીમાં પડતા પહેલા શંકાસ્પદ મિસાઇલો લગભગ 350 કિલોમીટરનું અંતર કાપી હતી. અધિકારીએ કહ્યું કે દક્ષિણ કોરિયાની સેનાએ દેખરેખ અને સતર્કતા વધારી દીધી છે અને દરેક જરૂરી માહિતી યુએસ અને જાપાન સાથે શેર કરવામાં આવી રહી છે.
જાપાને એલર્ટ જાહેર કર્યું છે
ઉત્તર કોરિયાના આ પગલાને જોતા જાપાન કોસ્ટ ગાર્ડે મેરીટાઇમ એડવાઈઝરી જારી કરી છે અને જહાજોને સાવચેત રહેવા સૂચના આપી છે. જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ પત્રકારોને જણાવ્યું હતું કે શંકાસ્પદ મિસાઇલો જાપાનના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની બહારના પાણીમાં પડી હોવાનું માનવામાં આવે છે અને કોઈ નુકસાનના તાત્કાલિક અહેવાલો નથી. તેમણે કહ્યું કે ટોક્યો ઉત્તર કોરિયાના આ પગલાની સખત નિંદા કરે છે. (એપી)