એશિયા કપના સુપર 4માં ભારતીય ક્રિકેટ ટીમનો મુકાબલો પાકિસ્તાન સામે છે. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાને કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે શાનદાર શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ ટીમ ઈન્ડિયા માટે 121 રન જોડ્યા. આ પછી જ્યારે આ બંને ખેલાડી આઉટ થયા ત્યારે વિરાટ કોહલી અને કેએલ રાહુલ બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા હતા. રાહુલ લગભગ 5 મહિના પછી ક્રિકેટના મેદાનમાં વાપસી કરી રહ્યો છે. આજે મેદાનમાં ઉતર્યાના થોડા જ સમયમાં રાહુલે મોટો રેકોર્ડ બનાવ્યો હતો.
રાહુલનું અદ્ભુત કામ
કેએલ રાહુલ સૌથી ઝડપી 2,000 ODI રન પૂરા કરનાર સંયુક્ત ત્રીજો ભારતીય બની ગયો છે. તેણે કોલંબોમાં પાકિસ્તાન સામેની બ્લોકબસ્ટર 2023 એશિયા કપ મેચમાં તેના 14મા રન સાથે આ રેકોર્ડ બનાવ્યો હતો. લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી રહેલા કેએલ રાહુલે પ્લેઇંગ 11માં ઇજાગ્રસ્ત શ્રેયસ અય્યરને સ્થાન આપ્યું હતું.
કોહલીની બરાબરી
રાહુલે 55 ODI મેચોની 53 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. રાહુલ વિરાટ કોહલીની સાથે સંયુક્ત રીતે ત્રીજા સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન (ઈનિંગ્સની દ્રષ્ટિએ) બની ગયો છે. આ મામલામાં શિખર ધવન (48 ઇનિંગ્સ) ટોચ પર છે, જ્યારે નવજોત સિંહ સિદ્ધુ અને સૌરવ ગાંગુલી સંયુક્ત રીતે બીજા સ્થાને છે, જેમણે આ સ્થાન હાંસલ કરવા માટે 52 ઇનિંગ્સ લીધી હતી. રાહુલના નામે 45 થી વધુની સરેરાશથી 2,000 થી વધુ ODI રન છે. તેના નામે પાંચ સદી અને 13 અડધી સદી છે.
વરસાદના કારણે પ્રથમ દિવસે મેચ થઈ શકી ન હતી
વરસાદના કારણે ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી સુપર 4 મેચ આજે પૂરી થઈ શકી નથી. હવે આ મેચ આવતીકાલે એટલે કે સોમવારે બપોરે 3 વાગ્યાથી રમાશે. ટીમ ઈન્ડિયાનો સ્કોર અત્યારે 2 વિકેટે 147 રન છે. વિરાટ કોહલી 8 રન અને કેએલ રાહુલ 17 રન સાથે રમી રહ્યા છે.