વાઇ-ફાઇ કોલિંગ એવી જગ્યાએ કરવામાં આવે છે, જ્યાં કનેક્ટિવિટી ઓછી અથવા ખરાબ હોય. આનો અર્થ એ થયો કે જ્યારે તમારો ફોન કનેક્ટિવિટી વધારવા મોબાઇલ નેટવર્ક પર કોલ કરવા માટે Wi-Fi નો ઉપયોગ કરે છે, ત્યારે તેને Wi-Fi કોલિંગ કહેવામાં આવે છે. Wi-Fi કોલિંગ એવી સુવિધા છે, જે તમારા ટેલિકોમ પ્રોવાઇડર દ્વારા પ્રદાન કરવામાં આવે છે. તે કોલને સ્પષ્ટ અને સરળ બનાવવામાં સક્ષમ હોય છે.
ભારતમાં એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયા (VI) જેવી તમામ મુખ્ય ટેલિકોમ કંપનીઓ તેમના કસ્ટમર્સને Wi-Fi કોલિંગ પ્રદાન કરે છે. આ સુવિધા હવે સામાન્ય થઈ ગઈ છે, એટલે લોકો જાણવા માંગે છે કે તે વાસ્તવમાં શું કરે છે અને વાઇ-ફાઇ કોલિંગ કેવી રીતે શક્ય છે? એવી સ્થિતિમાં જ્યારે એક વ્યક્તિ દેશની બીજી બાજુએ બેઠી હોય, અને તમે સ્પષ્ટ રીતે એક જ નેટવર્ક શેર નથી કરી રહ્યા. આવો, અમે તમને આ અંગે સંપૂર્ણ માહિતી આપીએ.
Wi-Fi કોલિંગ શું હોય છે?
સરળ શબ્દોમાં કહીએ તો Wi-Fi કોલિંગ એ એક એવી સુવિધા છે જે યૂઝર્સને મોબાઇલ ડેટાના બદલે Wi-Fi કનેક્શનના માધ્યમથી કોલ્સ અને ટેક્સ્ટ મોકલવા અને મેળવવાની મંજૂરી આપે છે. આ ખાસ કરીને નબળી કનેક્ટિવિટી ધરાવતા સ્થળોએ અસરકારક છે. તમારો સ્માર્ટફોન ટેલિકોમ કંપનીઓના નેટવર્કને બદલે કોલ કરવા માટે Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરે છે. Wi-Fi કોલિંગ સામાન્ય રીતે ટેલિકોમ પ્રોવાઇડર દ્વારા આપમેળે (Default) સક્રિય થાય છે. વાઈ-ફાઈ કોલિંગ એક્ટિવેટ કરવા માટે યુઝર્સને સામાન્ય રીતે તેમના સ્માર્ટફોનમાં કંઈ કરવાની જરૂર હોતી નથી.
શું વધુ ડેટાની જરૂરિયાત રહેશે?
તમારો પ્રશ્ન હશે કે શું Wi-Fi કોલિંગ સામાન્ય કોલિંગ કરતાં વધુ ડેટા કે બેટરી વાપરે છે? જવાબ છે ના. Wi-Fi કોલિંગ ફક્ત કોલ કરવા માટે તમારા Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરે છે અને કોઈપણ મોબાઇલ ડેટાનો ઉપયોગ કરતું નથી. એરટેલના જણાવ્યા અનુસાર 5-મિનિટના Wi-Fi કોલ માટે લગભગ 5MB ડેટા ખર્ચ થાય છે. બેટરીનો વપરાશ પણ સામાન્ય કોલ્સની જેમ જ થાય છે. આ એટલા માટે છે કારણ કે સ્માર્ટફોન એ જ કાર્ય કરી રહ્યું છે, પરંતુ મોબાઇલ નેટવર્કને બદલે Wi-Fi પર.
ચાર્જ કેટલો થાય?
Wi-Fi કોલિંગ તમારા ટેલિકોમ પ્રોવાઇડર તરફથી ઓટોમેટિક એક્ટિવ થઈ જાય છે, જો તેમની પાસે આ સુવિધા છે. આ એક ફ્રી સર્વિસ છે અને યુઝર્સને Wi-Fi કોલિંગ માટે કોઈ વધારાની ચૂકવણી કરવાની જરૂર નથી. તમારા નેટવર્ક પ્રોવાઈડર પાસે Wi-Fi કોલિંગ છે કે નહીં તે તપાસવા માટે, તમારે તમારા સ્માર્ટફોનના સેટિંગ્સમાં જવું પડશે. Android યુઝર્સ માટે, યુઝર્સે સેટિંગ્સ > મોબાઇલ નેટવર્ક અથવા કનેક્શન > Wi-Fi માં જવાનું રહેશે. પછી તમારે જોવું પડશે કે Wi-Fi કોલિંગ દેખાઈ રહ્યું છે કે નહીં.
iPhone માટે, યુઝર્સે સેટિંગ્સ > ફોન > મોબાઇલ ડેટા > Wi-Fi કોલિંગ માં જવું પડશે. જો તમારું ટેલિકોમ પ્રોવાઈડર વાઇ-ફાઇ કોલિંગને સપોર્ટ કરે તો જ વિકલ્પ દેખાશે.
કોલિંગની ક્વોલિટી કેવી હોય છે?
મોટા ભાગના કિસ્સાઓમાં કોલની ક્વોલિટી સારી હોય છે, જ્યારે ક્યારેક ઘણી સારી હોય છે. કારણ એ છે કે નબળી કનેક્ટિવિટી સમસ્યાનો ઉકેલ એ Wi-Fi કોલિંગનો હેતુ છે. જો કે, કેટલીકવાર બીજી બાજુથી Wi-Fi કોલને કનેક્ટ થવામાં થોડો સમય લાગે છે.