Lok Sabha Election : ગુજરાતની 25 લોકસભા બેઠક પર આજે વહેલી સવારથી ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે, ત્યારે મતદાન વચ્ચે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબીયત લથડતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ક્ષત્રિયોના વિરોધનો સામનો કરી રહેલા રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલાને મળવા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અમરેલી જઈ રહ્યાં હતા. આ દરમિયાન રસ્તામાં તેમની તબીયત લથડી હતી.
આમ અચાનક રાજ્યસભાના સાંસદની તબીયત લથડતા તેઓને આટકોટ કે.ડી. પારવાડિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આ બાબતની જાણ થતાં પરષોત્તમ રુપાલા પણ અમેરેલીથી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રામ મોકરિયાના ખબરઅંતર પૂછ્યા હતા. પરષોત્તમ રુપાલા ઉપરાંત ભાજપના આગેવાનો પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા.
જણાવી દઈએ કે, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા આજે વહેલી સવારે પોતાની પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં મતદાન કર્યા બાદ તેમણે ફરી એક વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા લોકોને અપીલ કરી હતી. જે બાદ તેઓ રાજકોટથી અમરેલી જવા નીકળ્યા હતા, જ્યાં રસ્તામાં તેમની તબિયત લથડતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.