ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. IPL ત્રણ વર્ષની લાંબી રાહ બાદ તેના જૂના ફોર્મેટમાં પાછી આવી છે અને દરેક ટીમને તેમના હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળવાનો છે. આ સાથે ઈમ્પેક્ટ પ્લેયરનો નવો નિયમ આ સિઝનની સફળતામાં ઉમેરો કરવાનું કામ કરશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ, હજુ પણ IPLમાં તેમની પ્રથમ ટ્રોફીની શોધમાં છે, તે આ સિઝનમાં તેમની કુશળતા બતાવવા માંગે છે. ફાફ ડુપ્લેસીની કપ્તાની હેઠળ આરસીબી ટીમ કાગળ પર પણ સંતુલિત દેખાઈ રહી છે. આ સાથે વિરાટ કોહલી પણ તેના જોરદાર ફોર્મમાં પરત ફર્યો છે, જેના કારણે ટીમની તાકાત બમણી થઈ ગઈ છે.
RCBએ પણ IPL 2023માં રંગ ઉમેરવા માટે નવો અવતાર અપનાવ્યો છે. ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન માટે તેની નવી જર્સી લોન્ચ કરી છે. બેંગ્લોરની ટીમે તેની નવી જર્સી ચિન્નાસ્વામી મેદાનમાં 20,000 થી વધુ દર્શકોની સામે લોન્ચ કરી.
આરસીબીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર જર્સી લોન્ચનો વીડિયો શેર કર્યો છે, જેમાં વિરાટ કોહલી, કેપ્ટન ફાફ ડુપ્લેસી, ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તમામ ખેલાડીઓ ચિન્નાસ્વામી મેદાનની આસપાસ ફેન્સનો આભાર માનતા પણ જોવા મળે છે.
ગેલ-ડી વિલિયર્સને વિશેષ સન્માન મળ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ રહેલા ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સનું ટીમ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ગેલ અને ડી વિલિયર્સને RCB દ્વારા હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા અને સન્માનના ચિહ્ન તરીકે બંને દિગ્ગજોની જર્સી કાયમ માટે નિવૃત્ત કરી દીધી હતી. પ્રખ્યાત ગાયકો સોનુ નિગમ અને જેસન ડેરુલોએ RCBની જર્સી લોન્ચિંગ ઈવેન્ટમાં તેમના અવાજોથી વાતાવરણ ઊભું કર્યું હતું.