લોકસભાની ચૂંટણીમાં અનેક ઉમેદવારો એવા છે કે જેની સામે હત્યા, અપહરણ સહિતના ગુનાના કેસો ચાલી રહ્યા છે. ચોથા તબક્કામાં જે પણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તેમાંથી 21 ટકા એવા છે કે જેની સામે ક્રિમિનલ કેસો છે, જેમાં 17 ઉમેદવારોને તો તેમના અપરાધ બદલ દોષિત પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે 11 સામે હત્યા, 30 સામે હત્યાના પ્રયાસના ગુના દાખલ છે. જ્યારે 50 ઉમેદવારો સામે મહિલાઓ પર અત્યાચાર સહિતના આરોપો લગાવવામાં આવ્યા છે.
એડીઆરના રિપોર્ટ અનુસાર લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં કુલ 1710 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી ૩૬૦એ પોતાની સામે ક્રિમિનલ કેસો હોવાનું ચૂંટણી પંચ સમક્ષ જાહેર કર્યું છે, જેની ટકાવારી કુલ ઉમેદવારોમાં 21 ટકા જેટલી છે. જ્યારે સંપત્તિ અને શૈક્ષણિક લાયકાતની માહિતી પણ જાહેર કરવામાં આવી છે. અપરાધી છાપ ધરાવનારાઓને ટિકિટ આપવાનો સિલસિલો યથાવત હોવાનું આ આંકડા પરથી સાબિત થાય છે.
ક્રિમિનલ કેસો ધરાવતા ઉમેદવારોને ક્યા પક્ષે વધુ ટિકિટ આપી તેના પર નજર કરીએ તો ચોથા તબક્કામાં ભાજપના 70 માંથી 40, કોંગ્રેસના 61 માંથી 35, ટીડીપીના 17માંથી 9, શિવસેનાના 3માંથી 2, એઆઇએમઆઇએમના 3માંથી 3, ટીએમસીના 8માંથી 3 અને સપાના 19માંથી 7 આવા ક્રિમિનલ કેસો ધરાવતા ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે ગંભીર ગુના દાખલ હોય તેવા ઉમેદવારોમાં ભાજપના 32, કોંગ્રેસના 22, બીઆરએસના 10, વાયએસઆર કોંગ્રેસના 9નો સમાવેશ થાય છે. જ્યારે મહિલાઓ સામેના વિવિધ અપરાધોના કેસો ધરાવતા ઉમેદવારોની સંખ્યા 50 છે જેમાંથી 5 સામે બળાત્કારના પણ આરોપ છે. જ્યારે 44 સામે હેટ સ્પીચ એટલે કે ઉશ્કેરણીજનક ભાષણનો પણ આરોપ છે.
ઉમેદવારોએ પોતાની સંપત્તિ અને શૈક્ષણિક લાયકાત પણ જાહેર કરી છે. જે મુજબ ચોથા તબક્કામાં 1710 ઉમેદવારોમાંથી 476 કરોડપતિ છે જેમની સરેરાશ સંપત્તિ એક કરોડ રૂપિયા છે. જ્યારે 24 ઉમેદવારો એવા પણ છે કે જેણે પોતાની પાસે એક પણ રૂપિયાની સંપત્તિ ન હોવાનો દાવો કર્યો છે. કરોડપતિ ઉમેદવારોમાં સૌથી વધુ ભાજપના 65, કોંગ્રેસના 56, વાયએસઆર કોંગ્રેસના ૨૪ ઉમેદવારો છે. ટીડીપીના ડો. ચંદ્રશેખર પેમ્માસામી પાસે સૌથી વધુ 5705 કરોડ રૂપિયાની સંપત્તિ છે, ભાજપના કોન્ડા રેડ્ડી પાસે 4568 કરોડ રૂપિયાની સંપત્તિ છે. રિપોર્ટમાં અસોસિએશન ફોર ડેમોક્રેટિક રાઇટ્સ એટલે કે એડીઆર સંસ્થાએ અત્યંત ગંભીર ગુનાના કેસોમાં દોષિત જાહેર કરાયેલા ઉમેદવારોના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવાની સાથે જ રાજકીય પક્ષોને પણ આરટીઆઇના કાયદામાં સમાવવા, ચૂંટણીના સોગંદનામામાં જુઠી માહિતી આપનારા સામે આકરા દંડ કરવા વગેરેની ભલામણ કરી છે.