વડાપ્રધાનની ગતિ શક્તિ પહેલ હેઠળ રૂ. 23,500 કરોડના ચાર રસ્તા અને રેલવે માળખાકીય પ્રોજેક્ટને મંજૂરી આપવાની ભલામણ કરવામાં આવી છે.
17 ઓક્ટોબરે 58મી નેટવર્ક પ્લાનિંગ ગ્રુપ (NPG) મીટિંગમાં આ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, NPGમાં રૂ. 23,500 કરોડથી વધુના પ્રોજેક્ટ ખર્ચ સાથે મલ્ટિમોડલ કનેક્ટિવિટી માટે રોડ અને રેલવે પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકની અધ્યક્ષતા સુમિતા ડાવરાએ કરી હતી, વિશેષ સચિવ (લોજિસ્ટિક્સ), ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT). તેમણે મંત્રાલયોને તેમના આયોજનમાં પ્રોજેક્ટને એકીકૃત કરવા અને રાજ્યો સાથે વાર્તાલાપ કરવા વિનંતી કરી, જેથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓને ઓળખી શકાય અને સંકલિત આયોજનને પ્રોત્સાહન મળે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે માળખાકીય વિકાસના કામને પ્રાથમિકતા પર રાખ્યા છે. દેશમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ તેનો પુરાવો છે.
પ્રક્રિયા શું છે?
PM ગતિ શક્તિ સાથે સંકળાયેલા તમામ વિભાગો આયોજનના તબક્કે DPR (વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ) બનાવતા પહેલા મંજૂરી માટે NPG નો સંપર્ક કરે છે. NPGની મંજૂરી પછી, પ્રોજેક્ટ નાણા મંત્રાલય અને કેબિનેટ દ્વારા મંજૂરીની સામાન્ય પ્રક્રિયાને અનુસરે છે.
પીએમ ગતિ શક્તિ શું છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ઓક્ટોબર, 2021ના રોજ વિવિધ આર્થિક ક્ષેત્રોમાં મલ્ટિમોડલ કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન (PMGS-NMP) લોન્ચ કર્યો હતો. આ યોજના હેઠળ રેલ્વે, માર્ગો, બંદરો, જળમાર્ગો, એરપોર્ટ, માસ ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રકચરના વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.