spot_img
HomeOffbeatOMG : આ જગ્યાએ ઈંડા ફેંકવાથી મનોકામના થાય છે પૂરી

OMG : આ જગ્યાએ ઈંડા ફેંકવાથી મનોકામના થાય છે પૂરી

spot_img

સાંસ્કૃતિ અને આધ્યાત્મિક રીતે ભારત એક સમૃદ્ધ દેશ છે, જે વિશ્વસ્તરે પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યો છે. આપણા દેશમાં અસંખ્ય દેવી દેવતાઓ અને તેમની સાથે જોડાયેલા ધર્મસ્થાનોની અછત નથી. ખાસ કરીને ભારતનો હિન્દુ સમાજ પોતાની ધાર્મિક અને પરંપરાગત રિતી રિવાજોનું પાલન કરવામાં વધુ સક્રિય છે. ગરીબ હોય કે અમીર, સમાજનો ઉચ્ચ વર્ણ હોય કે નીચલો, તેઓ ધાર્મિક કર્મકાંડ સાથે મજબૂતીથી જોડાયેલા છે.

આ ઉપરાંત ભારતમાં દેવી દેવતાઓ સાથે જાતભાતની માન્યતાઓ પણ જોડાયેલી છે, જેનું પાલન સમાજનો દરેક વર્ગ કરે છે. જો તમે આવી માન્યતાઓ પર ધ્યાન આપશો, તો તમને કેટલીક વિચિત્ર મન્યતાઓ પણ દેખાશે. આજે આવા જ એક મંદિર વિશે અમે તમને જણાવીશું, જ્યાં ભક્તોએ મંદિરમાં ઈંડા ફેંકવાની માન્યતા છે, જાણો આવું ક્યાં થાય છે અને શા માટે ?

ફિરોઝાબાદનું બિલૌના ગામ

આ અદભૂત મંદિર ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં આવેલું છે, જ્યાં ભક્તો પોતાની ઈચ્છા પૂરી કરવા માટે દીવાલ પર ઈંડા ફેંકે છે. જાણીને આશ્ચર્ય જરૂર થાય, પરંતુ આ હકીકત છે. ધાર્મિક માન્યતા અનુસાર દર વર્ષે વૈશાખ મહિનામાં એટલે કે એપ્રિલમાં અહીં ભવ્ય મેળો યોજાય છે.

આ મેળા દરમિયાન ભક્તો પોતાની સાથે પૂજાની થાળી ઉપરાંત ઈંડા પણ લાવે છે. અને મંદિરની અંદરની દીવાલ તેમજ મંદિરમાં બેઠેલા ભગવાન જેમને બાબા તરીકે ઓળખવામાં આવે છે, તેમના પર ઈંડાનો વરસાદ થાય છે. આ મંદિર બાબા નગર સેનનું હોવાનું કહેવાય છે. અહીં બાધા પૂરી થવા પર ઈંડા ફેંકવાની પરંપરા છે.

3 દિવસ ચાલે છે મેળો

વૈશાખીના દિવસે શરૂ થતો આ મેળો ત્રણ દિવસ સુધી ચાલે છે. આ ત્રણ દિવસોમાં દૂર દૂરથી હજ્જારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. અહીં આવનાર દરેક શ્રદ્ધાળુ પોતાના મનમાં ઈચ્છા લઈને આવે છે. તમે વિચારી શકો છો કે ત્રણ દિવસમાં આ મંદિરમાં કેટલા ઈંડા ફેંકાતા હશે. સેંકડોની સંખ્યામાં ભક્તોની ભીડ અને તેમના દ્વારા ફેંકાતા ઈંડા ખરેખર એક આઘાત સમાન છે.

ભક્તો અહીં બાધા રાખતી વખતે તો ઈંડા ફેંકે જ છે, પરંતુ બાધા પૂરી થાય ત્યારે પણ દર્શન કરીને ફરી ઈંડા ફેંકે છે.

 

 

આસ્થાના નામે વેપાર

શ્રદ્ધાના નામે આ એક ચોંકાવનારુ સત્ય છે, કે આ પ્રકારની માન્યતાને કારણે અહીં ઈંડાના વેપારીઓને ખૂબ લાભ થાય છે. જો તમે બજારમાં ઈંડા ખરીદવા જાવ તો તમને 5 રૂપિયામાં મળી જશે. પરંતુ મંદિરની આસપાસ તમે ઈંડા ખરીદશો તો દુકાનદાર મનમરજી પૂર્વક તેનો ભાવ વસૂલે છે. સામાન્ય દિવસોમાં અને મેળા સમયે અહીં એક ઈંડુ 20 રૂપિયા કે તેનાથી વધુમાં મળે છે. અહીં આવનાર દરેક શ્રદ્ધાળુ ઓછામાં ઓછા 2 ઈંડા તો ખરીદે જ છે.

તમે સમજી શકો છો કે શ્રદ્ધાના નામે અહીં કેવા પ્રકારનો વેપાર થાય છે. ખાસ કરીને મેળાના દિવસો દરમિયાન અહીં વેપારીઓને ચાંદી જ ચાંદી છે. એટલે જ અહીં તમને મોટા ભાગે ઈંડાની જ દુકાનો દેખાશે.

અજીબોગરીબ માન્યતા

ઈંડા ફેંકવાની માન્યતા સાથે કેટલીક આશ્ચર્યજનક ધારણા પણ જોડાયેલી છે. ભક્તોનું માનવું છે કે ઈંડું ચડાવીને રાખવામાં આવેલી બાધા જરૂર પૂરી થાય છે. શ્રદ્ધાળુઓ માને છે કે જેના બાળકો બીમાર હોય, તે જો મેદિરમાં આવીને ઈંડા ફેંકે તો બાળકો ઝડપથી સાજા થઈ જાય છે.

એટલે જ આ મંદિરમાં લોકો દૂર દૂરથી આવે છે. આવી ધારણાઓને કારણે મંદિરની લોકપ્રિયતા પણ જબરજસ્ત વધી રહી છે. ખાસ તહેવારોના સમયે તમે અહીં ભક્તોનું મહેરામણ પણ જોઈ શકો છો. ભક્તો અહીં જાતભાતની મનોકામના લઈને આવે છે.

ઈંડાની સાથે નારિયેળ- કેવી રીતે પહોંચ્યા ફિરોઝાબાદ

એવું નથી કે આ મંદિરમાં ફક્ત ઈંડા જ ફેંકવામાં આવે છે, અહીં ભક્તો નારિયેળ અને લાડુ પણ ચડાવે છે. જાણકારો માને છે કે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. અહીં બાબા નગર સેનની સાથે બાબા સૈયદ પર પણ ઈંડા ફેંકવામાં આવે છે. જો કે ઈંડા ફેકવાની આ પરંપરા ક્યારે શરૂ થઈ, કોણે શરૂ કરી તેના પર કોઈ સાચી માહિતી મળતી નથી.

પરંતુ આજના સમયમાં આવી પ્રથા જોઈને એ વાત સાબિત થાય છે કે, ભારતમાં અંધવિશ્વાસના મૂળિયા આજે પણ મજબૂત છે. જો તમે આ મંદિરમાં દર્શન કરવા ઈચ્છતા હો, તો ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદના બિલોના ગામની મુલાકાત લો. તમે લખનઉ અથવા દિલ્હી થઈને અહીં પહોંચી શકો છો. અહીંથી જ એરપોર્ટ અથવા ટ્રેનથી ફિરોઝાબાદ પહોંચી શકાશે. તમે ઈચ્છો તો બસમાં પણ બિલોના પહોંચી શકો છો.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular