હાલ રાજ્યમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. લોકો અસમંજસમાં મુકાયા છે કે સ્વેટર લઇને કે રેઇનકોટ લઇને ઘરની બહાર નીકળવું. સોમવારે હોળીના પ્રાગટ્ય સમયે જ વરસાદ વરસતા અનેક તર્કવિતર્ક શરૂ થયા હતા. તો બીજી બાજુ માવઠા અને વાવાઝોડા સાથે ખેડૂતોનો ઉભો પાક બરબાદ થઇ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી બે દિવસ વાવાઝોડા સાથે માવઠાની સંભાવના છે. રાજ્યમાં 56 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં સોમવારે સાંજે હોળીના દિવસે રાજ્યનાં 56 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આંકડાની વાત કરીએ તો, અમરેલીના બગસરામાં સૌથી વધુ એક ઇંચ વરસાદ વરસ્યો છે. સાયલા, સુબિર ડેડિયાપાડામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. આ સાથે અનેક વિસ્તારોમાં કરા પડતા લોકોમાં અચરજ છવાઇ ગયું હતુ.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, જુનાગઢ, દીવ, ડાંગ, સુરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હાવમાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક સિસ્ટમ બનવાને કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.