ભારતનું એક એવું ગામ, કે જેની પાસે પોતાની સંસદ છે અને દાવો તો એવો પણ છે કે અહીં રહેતા લોકો સિકંદરના વંશજ છે સાથે જ આ ગામમાં બહારના કોઈ વ્યક્તિને એન્ટ્રી પણ નથી! વાત અહીં જ નથી અટકતી આ ગામમાં દેશનું સર્વોચ્ચ બંધારણ પણ લાગુ નથી પડતું.
ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને આપણા દેશમાં અલગ-અલગ જાતિ, ધર્મ અને વિવિધ ભાષાઓ બોલતા લોકો રહે છે, પરંતુ કાયદો બધા માટે સમાન છે. આપણા દેશમાં એક એવું ગામ છે જ્યાંના લોકો ભારતના બંધારણમાં નથી માનતા. આ ગામનું પોતાનું બંધારણ છે અને અહીંના લોકોનું પોતાનું ન્યાયતંત્ર, કાર્યપાલિકા અને પોતાની સંસદ છે.
આ ગામ હિમાચલ પ્રદેશમાં આવેલું છે.જેનું નામ છે મલાણા છે અને એ કુલ્લુથી 45 કિલોમીટર દૂર આવેલું છે. મલાણા ગામની પોતાની સંસદ છે, જેમાં બે ગૃહો છે – ઉપલા ગૃહમાં કુલ 11 સભ્યો છે, જેમાંથી ત્રણ કારદાર, ગુરુ અને પૂજારી છે, જેઓ કાયમી સભ્યો છે. બાકીના આઠ સભ્યોની પસંદગી ગામના લોકોના મતદાન દ્વારા કરવામાં આવે છે. નીચલા ગૃહમાં ગામના દરેક ઘરમાંથી એક સભ્ય પ્રતિનિધિ હોય છે. સાથે જ અહીં સંસદ ભવનના સ્વરૂપમાં એક ઐતિહાસિક ચૌપાલ છે, જ્યાં તમામ વિવાદોનો નિર્ણય લેવામાં આવે છે.
આ ગામમાં જ રહેતા લોકો પોતાને સિકંદરના વંશજ ગણાવે છે અને કહેવાય છે કે ગામના મંદિરમાં સિકંદરના જમાનાની તલવાર રાખવામાં આવી છે. મલાણામાં બહારથી આવતા લોકો ગામમાં રોકાઈ શકતા નથી પરંતુ તેમ છતાં પ્રવાસીઓ અહીં આવે છે અને ગામની બહાર ટેન્ટ બાંધીને રહે છે. એવું કહેવાય છે આ ગામની દિવાલોને પણ સ્પર્શ કરવાની મનાઈ છે અને અહીંના લોકો બહારના લોકો સાથે હાથ પણ મિલાવતા નથી.
આ ગામ ચરસની ખેતી માટે વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે અને ગામની આસપાસ ગાંજો પણ સારી માત્રામાં ઉગાડવામાં આવે છે, જેને મલાના ક્રીમ કહેવામાં આવે છે.