આતંકવાદનો ગઢ ગણાતું પાકિસ્તાન ભલે કંગાળ બની ગયું હોય, પરંતુ તે પોતાની જૂની હરકતોથી હટતું નથી. પાકિસ્તાન સતત ભારતમાં આતંકીઓની ઘૂસણખોરી કરી રહ્યું છે, પરંતુ BSF તેની નાપાક યોજનાઓને નિષ્ફળ બનાવી રહ્યું છે. ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે.
ઘૂસણખોરને અરનિયા સેક્ટરમાં જાબોવાલ બોર્ડર ચોકી નજીક એલર્ટ બીએસએફ જવાનો દ્વારા ઠાર કરવામાં આવ્યો હતો જ્યારે તેણે વારંવારની ચેતવણીઓને અવગણી હતી અને લગભગ 1.45 વાગ્યે સરહદની વાડ પાર કરીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની પુષ્ટિ કરતા, BSFના પ્રવક્તાએ કહ્યું, “30 જુલાઈ અને 31 જુલાઈની મધ્યવર્તી રાત્રે, સતર્ક દળોએ અરનિયા સરહદ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર શંકાસ્પદ હિલચાલ જોવી.” ઘૂસણખોર BSF વાડ તરફ આવતો જોવા મળ્યો હતો. દળોએ તેને ગોળી મારીને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.
પાકિસ્તાની ઘૂસણખોર પાસે રોજબરોજની વસ્તુઓ મળી
અધિકારીઓએ જણાવ્યું કે, ઘુસણખોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બિશ્નાહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા ઘૂસણખોર પાસેથી 440 પાકિસ્તાની રૂપિયા, ચાર કિલોગ્રામથી વધુ લોટની બેગ, બિસ્કિટના બે પેકેટ, એક ઘડિયાળ અને એક ગ્લાસ મળી આવ્યો છે. હજુ સુધી ઘુસણખોરની ઓળખ થઈ શકી નથી. અગાઉ, 25 જુલાઈના રોજ, બીએસએફએ સાંબા જિલ્લાના રામગઢમાં ચાર કિલોથી વધુ ઉચ્ચ ગુણવત્તાની હેરોઈનની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો.