વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુને જનતાને સમર્પિત કરશે. આ સાથે તેઓ નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે અને 30,500 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ પહેલા વડાપ્રધાને નાસિકમાં રોડ શો કર્યો હતો. તેઓ અહીં શહેરના શ્રી કાલારામ મંદિરમાં પ્રાર્થના કરશે અને રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં ભાગ લેશે. પીએમના રોડ શો દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર હાજર હતા.
જાણો અટલ બ્રિજ વિશે
હજારો કરોડના ખર્ચે બનેલ અટલ સેતુ મુંબઈને નવી મુંબઈથી જોડશે. આ બ્રિજ દેશની આર્થિક રાજધાની મુંબઈ માટે નવી જીવાદોરી બનશે, જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભારતના વિકાસનું આ એક નવું ઉદાહરણ છે. એક અંદાજ મુજબ આ પુલ પરથી દરરોજ લગભગ 70 હજાર લોકો મુસાફરી કરશે. અહીં 400 કેમેરા લગાવવામાં આવ્યા છે, આ સિવાય ટ્રાફિકના દબાણની માહિતી એકત્ર કરવા માટે AI આધારિત સેન્સર લગાવવામાં આવ્યા છે.
અટલ સેતુની વિશેષતાઓ
- અટલ સેતુ 21.8 કિમી લાંબો છે
- તેને 17,840 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે
- ડિસેમ્બર 2016માં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો
- 16.5 કિમી સમુદ્ર પર અને 5.5 કિમી જમીન પર બાંધવામાં આવી છે.
યુવા દિવસ પર પીએમ એક લાખ યુવાનોને સંબોધિત કરશે
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગુરુવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુવા દિવસે એક લાખથી વધુ યુવાનોને સંબોધિત કરશે. સ્વામી વિવેકાનંદની 161મી જન્મજયંતિ પર મહારાષ્ટ્રના નાસિકમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કુંભ નગરીમાં દેશભરના યુવાનોનો મેળો યોજાશે, જેના મુખ્ય અતિથિ પીએમ મોદી હશે. કાર્યક્રમની થીમ યુવાનો માટે, યુવાનો દ્વારા રાખવામાં આવી છે. તમામ યુવાનો અહીં ભેગા થશે અને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની પ્રતિજ્ઞા લેશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનને સીધું સાંભળવા માટે એક લાખથી વધુ યુવાનો હશે, જ્યારે દેશના તમામ જિલ્લાના યુવાનો લાઈવ કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાનને સાંભળશે.