Ranbir kapoor: બોલિવુડ અભિનેતા રણબીર કપૂર સુરતની મુલાકાતે આવ્યા હતા. એક ખાનગી કાર્યક્રમમાં આવી પહોંચેલા રણબીર કપૂરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ત્યારે આ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રણબીર કપૂરની એક ઝલક જોવા માટે ટોળામાં ધક્કામુક્કીથઈ હતી. લોખંડના બેરિકેડિંગ તૂટ્યા હતા અને લોકો એકની ઉપર એક પડ્યા હતા. જેમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી.
હકીકતમાં અડાજણ વિસ્તારના એલ.પી. સવાણી રોડ ખાતે રણબીર કપૂરના હસ્તે કલ્યાણ જ્વેલર્સના શૉ રૂમનું ઑપનિંગ કરવામાં આવ્યું હતુ. જેના માટે આજે બપોરે રણબીર કપૂર સુરત એરપોર્ટથી અડાજણ સ્થિત જ્વેલર્સના શૉ-રૂમ પર પહોંચ્યો હતો.
રણબીર કપૂર આવવાનો હોવાથી સુરક્ષાના ભાગરૂપે શૉ-રૂમની બહાર બેરીકેડ લગાવી દેવામાં આવ્યા હતા. જો કે મોટી સંખ્યામાં ફેન્સ ઉમટી પડતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રણબીર કપૂર શૉ રૂમમાંથી બહાર આવીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યો હતો, ત્યારે ફેન્સ દ્વારા તેને મળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના પગલે બેરિકેટ તૂટી પડતાં ત્યાં અભિનેતાને નિહાળવા આવેલ મહિલા અને બાળકો સહિત 15 જેટલા લોકો નીચે પટકાયા હતા. જેમને સામાન્ય ઈજા પહોંચી હતી.
તો બીજી તરફ, જો કે ફેન્સની બેકાબૂ ભીડને જોતા આ કાર્યક્રમને રદ્દ કરી દેવામાં આવ્યો હતો.આ ઘટનાને પગલે રણબીર કપૂર પરફોર્મન્સ કર્યા વિના એરપોર્ટ જવા રવાના થયા હતા. રણબીર કપૂરની પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરવામાં આવી હતી.