ભરતનાટ્યમ નૃત્યાંગના ડૉ.સરોજા વૈદ્યનાથનનું ગુરુવારે સવારે કેન્સરને કારણે અવસાન થયું હતું. તેમણે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા.
ડૉ. સરોજાએ તાજેતરમાં 19 સપ્ટેમ્બરે તેમનો 86મો જન્મદિવસ ઉજવ્યો હતો. ભરતનાટ્યમને દેશ-વિદેશમાં પ્રખ્યાત બનાવવાનો શ્રેય ડો.સરોજાને આપવામાં આવે છે. સરોજાના નિધન પર શોક વ્યક્ત કરતા, સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું, “ભરતનાટ્યમ ગુરુ, પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા અને તેજસ્વી નૃત્યાંગના ડૉ. સરોજા વૈદ્યનાથનનું અવસાન સાંભળીને દુઃખ થયું.”
ડૉ. સરોજાને 2002માં પદ્મશ્રી અને 2012માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. 1972માં ડૉ. સરોજાએ દિલ્હીમાં ગણેશ નાટ્યાલય ખોલ્યું.
હાલમાં તેમની પાસે 15 દેશોમાં શાળાઓ છે, જે હવે તેમના શિષ્યો દ્વારા ચલાવવામાં આવે છે. તેમણે ચાર પુસ્તકો પણ લખ્યા છે. ડૉ. સરોજાનો જન્મ 1937માં કર્ણાટકના બેલ્લારીમાં થયો હતો. તેણીએ ભરતનાટ્યમની પ્રારંભિક તાલીમ ચેન્નાઈના સરસ્વતી ગણ નિલયમ ખાતે મેળવી હતી. આ પછી તે તંજાવુરના ગુરુ કટ્ટુમાનર મુથુકુમારન પિલ્લઈ પાસે અભ્યાસ કરવા ગઈ. તેના પરિવારના સભ્યો સરોજાને ડૉક્ટર અને એન્જિનિયર બનાવવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ તે ડાન્સ શીખવા પર અડગ રહી.