સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના ડિરેક્ટર અરુણ કુમાર સિંહાનું નિધન થયું છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.તેઓ ઘણા સમયથી બીમાર હતા. 61 વર્ષીય અરુણ કુમાર સિન્હાને થોડા સમય પહેલા સેવામાં એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) દેશના વડાપ્રધાનની સુરક્ષા માટે જવાબદાર છે.
SPG શું કામ કરે છે?
સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ વડાપ્રધાન અને તેમના પરિવારની સુરક્ષા માટે જવાબદાર છે. આ જૂથની રચના વર્ષ 1985માં થઈ હતી, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ એસપીજીની રચના કરવામાં આવી હતી.
SPG વડાપ્રધાનના ઘર, કાર્યાલય, કાર્યક્રમો, દેશ કે વિદેશમાં ગમે ત્યાંની મુલાકાતની સુરક્ષાનું ધ્યાન રાખે છે.
આ પહેલા પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારના સભ્યોની સુરક્ષાની જવાબદારી પણ એસપીજીની હતી, જોકે વર્ષ 2019માં નવો કાયદો લાવીને આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. નવા નિયમ મુજબ, કોઈપણ વડાપ્રધાન પદ છોડ્યા પછી પાંચ વર્ષ સુધી એસપીજી સુરક્ષા લઈ શકે છે, તે પણ ગુપ્તચર અહેવાલોના આધારે નક્કી કરવામાં આવે છે.