શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ સોમવારે કહ્યું કે તેમની સરકારે ચીનના જહાજને શ્રીલંકામાં રોકવાની મંજૂરી આપી નથી. અલી સાબરીએ ચર્ચામાં સ્પષ્ટ કહ્યું કે ભારતની ચિંતાઓ શ્રીલંકા માટે મહત્વની છે. શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ કહ્યું, ‘જ્યાં સુધી મને ખબર છે, અમે ઓક્ટોબરમાં ચીનના જહાજને શ્રીલંકા આવવાની મંજૂરી આપી નથી. ભારતીય સુરક્ષા એજન્સીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જે અમારા માટે યોગ્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રીલંકાના વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે ‘અમે હંમેશા કહ્યું છે કે અમે અમારા વિસ્તારને સુરક્ષિત રાખવા માંગીએ છીએ.’ શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ પણ કહ્યું કે વિદેશી જહાજો શ્રીલંકા આવે અને આ વિસ્તારમાં કોઈપણ પ્રવૃત્તિ કરે તે માટે એક SOP બનાવવામાં આવી છે.
ચીનની નૌકાદળનું જહાજ શ્રીલંકામાં ત્રણ મહિના રોકાવા આવ્યું હતું
હકીકતમાં, ચીની નૌકાદળનું જહાજ ઝિન યાન 6 ઓક્ટોબરમાં પૂર્વી શ્રીલંકાના બંદર પર લગભગ ત્રણ મહિના સુધી રોકાવાનું હતું. ભારતે આને જાસૂસી ગણાવીને તેનો વિરોધ કર્યો હતો. જે બાદ હવે શ્રીલંકાના વિદેશ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે.
ચીનનું આ સંશોધન જહાજ દરિયાઈ સંશોધન માટે શ્રીલંકા આવવાનું હતું. અમેરિકી સરકારના ટોચના મંત્રી વિક્ટોરિયા નુલેન્ડે પણ શ્રીલંકાની સરકાર સમક્ષ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. શ્રીલંકામાં વિદેશી જહાજોના આગમન અને તેના વિશે ભારતની ચિંતાઓ પર અલી સાબરીએ કહ્યું કે ‘ભારત લાંબા સમયથી આ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. આવી સ્થિતિમાં અમે SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરી છે, જ્યારે અમે SOP બનાવી રહ્યા હતા ત્યારે અમે ભારત સહિત ઘણા મિત્ર દેશો સાથે તેની ચર્ચા કરી હતી. જ્યાં સુધી વસ્તુઓ અમારા SOP મુજબ ચાલે છે ત્યાં સુધી અમને કોઈ સમસ્યા નથી, પરંતુ જો SOPનું ઉલ્લંઘન થશે તો અમને સમસ્યા થશે. અલી સાબરીએ કહ્યું કે શ્રીલંકાએ ચીનના જહાજને રોકવાની મંજૂરી આપી નથી, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે હજુ પણ વાતચીત ચાલી રહી છે.
સંશોધનના નામે ચીની જહાજ જાસૂસી કરે છે
ચીન હિંદ મહાસાગરમાં જાસૂસી માટે કુખ્યાત છે. તે તેના સંશોધન જહાજના બહાના હેઠળ હિંદ મહાસાગરમાં જાસૂસીનું કામ કરીને તેના દુષ્ટ ઇરાદાઓને છતી કરે છે. આ કારણોસર, જ્યારે ચીનનું આ સંશોધન જહાજ શ્રીલંકાના કોલંબો પોર્ટ પર પહોંચ્યું, ત્યારે ભારતે શ્રીલંકા સામે વાંધો ઉઠાવ્યો અને વિરોધ નોંધાવ્યો. ચીનનું જહાજ શી યાન 6 શ્રીલંકામાં આવનાર પ્રથમ નથી. એક વર્ષ પહેલા યુઆન વાંગ 5 શ્રીલંકા પહોંચ્યું હતું અને હમ્બનટોટા બંદર પર લાંગર્યું હતું. ભારતે આ સુપરપાવર જાસૂસી જહાજને શ્રીલંકામાં આવવાનો સખત વિરોધ કર્યો હતો. અમેરિકાએ પણ ચીનના જહાજનો વિરોધ કર્યો હતો અને શ્રીલંકાને સલાહ આપી હતી પરંતુ તેની પણ કોલંબો પર કોઈ અસર થઈ ન હતી.