મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં ભોપાલ-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો છે. સોમવારે (14 ઓગસ્ટ)ના રોજ એક અધિકારીએ જણાવ્યું હતું કે એક વ્યક્તિએ મોરેના જિલ્લામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો, જેનાથી ટ્રેનની બારીના કાચને નુકસાન થયું હતું.
મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો
અધિકારીએ જણાવ્યું કે આ ઘટના રવિવારે સવારે 10 વાગ્યાની આસપાસ બાનમોર રેલવે સ્ટેશન પાસે બની હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ આ સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.
ગ્વાલિયર આરપીએફના નિરીક્ષક સંજય કુમાર આર્યએ જણાવ્યું હતું કે રાણી કમલાપતિ-હઝરત નિઝામુદ્દીન વંદે ભારત ટ્રેનની એક બારીને નુકસાન થયું હતું અને આ ઘટનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.
રેલ્વે નિયમો હેઠળ કેસ નોંધાયો
અધિકારીએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા પછી, પોલીસે પથ્થરબાજીના સંબંધમાં રવિવારે રાત્રે ફિરોઝ ખાન (20) નામના વ્યક્તિની ધરપકડ કરી હતી અને તેની સામે રેલ્વે એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો. તેમણે કહ્યું કે પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલી લીધો હતો.