Gujarat News: ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષા 26 માર્ચ સુધી ચાલવાની છે. સીસીટીવી કેમેરાની નીગરાનીમાં બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. ત્યારે બોર્ડ દ્વારા વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા સીસીટીવીની ચકાસણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર પર પરીક્ષા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ દ્વારા ગેરરીતી અને કોપી કેસ કરવામાં આવતા હોય તે તેના પર નજર રાખવામાં આવી રહી છે અને દરેક કેન્દ્રના વર્ગખંડના સીસીટીવી ફુટેજ ચકાસણી કરવામાં આવી રહ્યા છે.
રાજ્યભરમાં ધો.10 ના 84 ઝોનમાં 981 કેન્દ્રો પર 9,11,687 વિદ્યાર્થી જ્યારે ધો. 12 માં 56 ઝોનમાં 653 કેન્દ્ર પર વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની ખાસ ટીમ દ્વારા સંવેદનશીલ ઝોનના વર્ગખંડના સીસીટીની તપાસ હાથ ધરાઈ છે. પરીક્ષાખંડના સીસીટીવી મેળવીને કંટ્રોલરૂમમાં તેની ચકાસણી હાથ ધરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજમાં વર્ગખંડમાં ગેરરીતી જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાર્થી અને વર્ગખંડના જવાબદાર કર્મચારી પાસે તેનો ખુલાસો પણ પુછવામાં આવશે.
પરીક્ષાર્થીઓ પર સીધી નજર
બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવી રહી છે સાથે સાથે આ વખતે વર્ગખંડના સીસીટીવીની ચકાસણી પણ વહેલી શરૂ કરવામાં આવી છે વિદ્યાર્થીઓનું પરિણામ સમયસર જાહેર થઇ શકે તેને લઇને બોર્ડ દ્વારા 26મી માર્ચ સુધીમાં સીસીટીવીની ચકાસણી પુરી કરવાનો નિર્ધારીત કરવામાં આવ્યું છે.
તપાસ દરમિયાન પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓ એકબીજામાંથી કોપી કરતા હોય કે પ્રશ્નપત્રની આપલે કરતા હોય, આન્સરશીટની અદલાબદલી કરતા હોય તો તેવા ફૂટેજ અલગ તારવી નોધ રખાશે અને ઓળખ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવનાર છે. સ્થળ સંચાલકને બોલાવી તે વિદ્યાર્થીનો સીટ નંબર મેળવી વિદ્યાર્થીના વાલી, વિદ્યાર્થી અને જેતે પરીક્ષા સ્થળ સંચાલકને બોલાવવામાં આવશે. આ તમામને સાથે રાખી તેની સુનાવણી કરવામાં આવશે. આ તમામ કાર્યવાહી રિઝલ્ટ પહેલા હાથ ધરવામાં આવશે.
660થી વધુ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો
બોર્ડની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલવાની છે. બોર્ડ પરીક્ષાઓ માટે સ્ટેટ લેવલે 85 સ્કવોડ ટીમો તૈનાત કરવામાં આવી છે. 660થી વધુ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો છે. આ વર્ષે બોર્ડ પરીક્ષા માટે વર્ગ એક અને બેના 1500થી વધુ અધિકારીઓને જુદી જુદી જવાબદારીઓ આપવામાં આવી છે. તો તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓ, પોલીસ પ્રશાસન, એસટી નિગમ અને આરોગ્ય વિભાગ સહિત અંદાજીત એક લાખ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત છે.
વિદ્યાર્થીઓ માટે ખાસ તકેદારી
ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને લઇ શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ સાથે પરીક્ષા લેવાઇ રહી છે. રાજ્યભરમાં ધો.10 ના 84 ઝોનમાં 981 કેન્દ્રો પર 9,11,687 વિદ્યાર્થી જ્યારે ધો. 12 માં 56 ઝોનમાં 653 કેન્દ્ર પર વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ માર્ચ મહિનાને છેલ્લા અઠવાડિયામાં ગુજકેટની પરીક્ષા યોજાશે.