ઇરાકના બગદાદમાં એકઠા થયેલા સેંકડો બદમાશોએ ગુરુવારે સવારે સ્વીડિશ દૂતાવાસ પર હુમલો કર્યો. આટલું જ નહીં ટોળાએ એમ્બેસીને પણ આગ ચાંપી દીધી હતી. સમાચાર એજન્સી રોયટર્સે સૂત્રોને ટાંકીને આ ઘટનાની જાણકારી આપી. એવું કહેવામાં આવ્યું છે કે હુમલામાં દૂતાવાસના કર્મચારીઓને કોઈ નુકસાન થયું નથી, જો કે વધુ કોઈ માહિતી આપવામાં આવી નથી.
શિયા મૌલવી મુકતદા સદરના સમર્થકો દ્વારા કરાયેલા પ્રદર્શનને પગલે દૂતાવાસ પર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. સદરના સમર્થકો સ્વીડનમાં મુસ્લિમોના પવિત્ર ધર્મગ્રંથ કુરાનને સળગાવવાનો વિરોધ કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટનાની ઘણા ઇસ્લામિક દેશો દ્વારા પહેલાથી જ ટીકા કરવામાં આવી ચુકી છે.
વન બગદાદે, એક લોકપ્રિય ઇરાકી ટેલિગ્રામ ચેનલ જે મુક્તદા સદરના સમર્થક હોવાનું માનવામાં આવે છે, તેણે બુધવારે મોડી રાત્રે (સવારે 1 વાગ્યાની આસપાસ) સ્વીડિશ દૂતાવાસની બહાર એકઠા થયેલા ભીડના કેટલાક વીડિયો પોસ્ટ કર્યા. જેમાં કેટલાક બદમાશો એમ્બેસીમાં ઘૂસતા પણ જોવા મળ્યા હતા. વીડિયોમાં થોડા સમય બાદ દૂતાવાસના પરિસરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ શકાય છે. જો કે, આ વીડિયોની ચકાસણી થઈ શકી નથી. હુમલા સમયે દૂતાવાસમાં કેટલા લોકો હાજર હતા તે હજુ સ્પષ્ટ થયું નથી.