ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 ની મેચ નંબર-29 માં, અફઘાનિસ્તાને પપુઆ ન્યૂ ગિની (PNG) ને સાત વિકેટે હરાવ્યું. તારોબાના બ્રાયન લારા સ્ટેડિયમમાં 14મી જૂન (શુક્રવાર)ના રોજ રમાયેલી આ મેચમાં PNGએ અફઘાનિસ્તાનને જીતવા માટે 96 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 29 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો.
ન્યુઝીલેન્ડનું સપનું તૂટી ગયું
આ જીત સાથે અફઘાનિસ્તાનની ટીમે સુપર 8માં જગ્યા બનાવી લીધી છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ બહાર થઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલા જ ગ્રુપ-સીમાંથી સુપર 8માં જગ્યા બનાવી ચૂકી છે. આ સિવાય ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પણ પ્લેઓફમાં પહોંચી ગયા છે. એટલે કે અત્યાર સુધીમાં પાંચ ટીમ સુપર 8માં પહોંચી ગઈ છે અને માત્ર ત્રણ જ સ્થાન બાકી છે.
આ મેચમાં અફઘાનિસ્તાન તરફથી ગુલબદ્દીન નાયબે 36 બોલમાં અણનમ 49 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે મોહમ્મદ નબી 16 રન બનાવી અણનમ રહ્યો હતો.
વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહે 11 રન અને અઝમતુલ્લા ઓમરઝાઈએ 13 રનનું યોગદાન આપ્યું હતું. પાપુઆ ન્યુ ગિની તરફથી એલી નાઓ, સેમો કામિયા અને નોર્મન વાનુઆએ એક-એક વિકેટ લીધી હતી.
પીએનજીના ચાર બેટ્સમેન રન આઉટ થયા હતા.
આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવતા પપુઆ ન્યુ ગિનીની આખી ટીમ 20 ઓવર પણ રમી શકી ન હતી. PNGએ 19.5 ઓવરમાં 95 રન બનાવ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન કિપલિન ડોરિગાએ સૌથી વધુ 27 રન બનાવ્યા હતા. આ સિવાય માત્ર એલી નાઉ અને ટીનો ઉરા બે આંકડા સુધી પહોંચી શક્યા.
અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. નવીન ઉલ હકને બે અને નૂર અહેમદને એક વિકેટ મળી હતી. પીએનજીના ચાર બેટ્સમેન રન આઉટ થયા હતા.
T20માં અફઘાનિસ્તાનની સૌથી મોટી જીત (બાકીના બોલના આધારે)
- 73 વિ આયર્લેન્ડ, દુબઈ, 2017
- 59 વિ શ્રીલંકા, દુબઈ, 2022
- 32 વિ ઝિમ્બાબ્વે, શારજાહ, 2018
- 29 વિ પાપુઆ ન્યુ ગિની, તારોબા, 2024
- 16 વિ UAE, એડિનબર્ગ, 2015
T20 વર્લ્ડ કપમાં 100 કે તેથી ઓછા સ્કોરનો ઓલઆઉટ
- 9* – 2024
- 8- 2014, 2021
- 4- 2010
- 3- 2007, 2009, 2012
- 2- 2016
- 1- 2022
અફઘાનિસ્તાન માટે 50 કે તેથી વધુ વિકેટ (T20)
- 142 – રાશિદ ખાન
- 95 – મોહમ્મદ નબી
- 59 – મુજીબ ઉર રહેમાન
- 50 – નવીન-ઉલ-હક