યુક્રેન યુદ્ધ બાદ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈને જે આંતરિક તણાવ પેદા થયો હતો તે હવે ઓગળવા લાગ્યો છે. બંને પક્ષો વચ્ચે પહેલેથી જ ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે દ્વિપક્ષીય વેપાર, વ્યૂહાત્મક મુદ્દાઓ અને સુરક્ષા સહયોગ પર બેઠકોની શ્રેણી વધુ ઝડપથી આગળ વધવાના સંકેતો છે.
બંને દેશોની વ્યૂહાત્મક બેઠક યોજાઈ
સોમવારે બંને દેશોની વ્યૂહાત્મક બેઠક થઈ હતી, જેમાં મુક્ત વેપાર કરારથી લઈને રોકાણ પ્રોજેક્ટ્સ અને શેર્ડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ સુધીની વાતચીત થઈ હતી. ભારતના ત્રણ વરિષ્ઠ કેબિનેટ પ્રધાનો, વિદેશ પ્રધાન એસ જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને માહિતી ટેકનોલોજી અને સંચાર પ્રધાન અશ્વની વૈષ્ણવ બ્રસેલ્સની મુલાકાતે છે, જ્યાં વ્યાપક દ્વિપક્ષીય વાટાઘાટો પણ થશે. એટલું જ નહીં, ભારત-EU ટ્રેડ એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલ (TTC)ની પ્રથમ બેઠક પણ આવતા અઠવાડિયે જ યોજાવા જઈ રહી છે.
સોમવારે બેઠક બાદ બંને પક્ષોએ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ વિશે કહ્યું છે કે આવા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં ભૌગોલિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું પાલન કરવું જોઈએ. આ EU તરફથી ભારતને એક પ્રકારનું નીતિગત સમર્થન છે, કારણ કે ભારત આ આધાર પર ચીનનો વિરોધ કરી રહ્યું છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની તાજેતરની બેઠકમાં ભારતે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર તરફ ઈશારો કરતા આ મુદ્દો ઉઠાવ્યો હતો.
સંયુક્ત નિવેદનમાં કહ્યું- કોઈપણ પ્રકારના આતંકવાદ વિરુદ્ધ છે
ભારત અને EUએ યુક્રેનની સ્થિતિ વિશે સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ વાજબી કાર્યવાહી થવી જોઈએ. આતંકવાદને લઈને બંને પક્ષોએ કહ્યું છે કે તેઓ કોઈપણ પ્રકારના આતંકવાદની વિરુદ્ધ છે. બેઠકમાં ભારત-EU સંબંધો માટે વર્ષ 2025 માટેના રોડમેપ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંગે ચાલી રહેલી ચર્ચાઓની પણ સમીક્ષા કરવામાં આવી છે.