ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા ટેક્સ હાલ ચાલુ રહેશે. આજે મળેલી 51મી GST કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
બેઠક બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ઓનલાઈન ગેમિંગ બેટ્સના સંપૂર્ણ ફેસ વેલ્યુ પર 28 ટકા ટેક્સ વસૂલવાનો નિર્ણય 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.
દિલ્હીના નાણામંત્રીએ વિરોધ કર્યો
નાણાપ્રધાન સીતારમણે જણાવ્યું હતું કે દિલ્હીના નાણા પ્રધાને ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ લગાવવાનો વિરોધ કર્યો હતો, જ્યારે ગોવા અને સિક્કિમ GGR (ગ્રોસ ગેમિંગ રેવન્યુ) પર ટેક્સ લગાવવા માગે છે અને ફેસ વેલ્યુ પર નહીં. તે જ સમયે, કર્ણાટકથી લઈને ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સુધીના અન્ય રાજ્યો ઈચ્છે છે કે છેલ્લી બેઠકમાં લેવાયેલા નિર્ણયને લાગુ કરવામાં આવે.
અમલીકરણના 6 મહિના પછી સમીક્ષા કરવામાં આવશે
નાણામંત્રીએ GST કાઉન્સિલની બેઠક બાદ જણાવ્યું હતું કે ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા ટેક્સ લાગુ થયાના છ મહિના પછી તેની સમીક્ષા કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્યના કાયદાઓમાં જરૂરી ફેરફારો કર્યા બાદ 28 ટકા ટેક્સનો નિર્ણય 1 ઓક્ટોબરથી લાગુ થવાની શક્યતા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
GSTની 50મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો
તમને જણાવી દઈએ કે 11 જુલાઈના રોજ મળેલી GST પેનલની છેલ્લી એટલે કે 50મી બેઠકમાં બેટ્સની સંપૂર્ણ ફેસ વેલ્યુ પર 28 ટકા GST લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારપછી આ નિર્ણયની ઓનલાઈન ગેમિંગની દુનિયામાંથી આકરી ટીકા થઈ હતી. .
આ નિર્ણય પહેલા, ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 18 ટકા ટેક્સ લાગતો હતો, જે GST કાઉન્સિલે 10 ટકા વધારીને 28 ટકા કર્યો હતો. આજની GST મીટીંગમાં આ નિર્ણયના અમલ માટે જરૂરી ટેક્સ કાયદામાં જે ફેરફારો કરવા જરૂરી છે તેની ચર્ચા થવાની હતી.
GST કાઉન્સિલ શું છે?
GST કાઉન્સિલ એ પરોક્ષ કર શાસનની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે, જેમાં નાણા પ્રધાન અને તમામ રાજ્યોના નાણા પ્રધાનોનો સમાવેશ થાય છે.