CBIએ બુધવારે મણિપુર હિંસાની તપાસ માટે 53 અધિકારીઓની નિયુક્તિ કરી હતી. જેમાંથી 29 મહિલા અધિકારીઓ છે. ઉપરાંત ત્રણ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ રેન્કના ઓફિસર છે, જેમાં બે મહિલા ઓફિસર લવલી કટિયાર અને નિર્મલા દેવી છે. તે રાજ્યમાં હિંસાના કેસોની તપાસ માટે ટીમોનું નેતૃત્વ કરશે.
કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરી શકાય છે
તમામ અધિકારીઓ જોઈન્ટ ડાયરેક્ટર ઘનશ્યામ ઉપાધ્યાયને રિપોર્ટ કરશે, જેઓ વિવિધ કેસોમાં તપાસની દેખરેખ રાખશે. સીબીઆઈએ તાજેતરમાં મણિપુર હિંસાને લગતા વધુ નવ કેસો પોતાના કબજામાં લીધા છે, જેનાથી કેસની કુલ સંખ્યા 17 થઈ ગઈ છે. અગાઉ, તે જાતીય સતામણીના બે કેસ સહિત આઠ કેસની તપાસ કરી રહી હતી.
મણિપુરના ચર્ચંદપુર જિલ્લામાં મહિલાઓ પર હુમલાના વધુ કેસ નોંધાયા છે. આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરી શકાય છે.
હિંસામાં 160થી વધુ લોકોના મોત થયા છે
એજન્સીના અધિકારીઓએ કહ્યું છે કે એસસી/એસટી એક્ટ સાથે સંબંધિત મામલાઓ પર એસપી સ્તરના અધિકારી દ્વારા દેખરેખ રાખવામાં આવશે. તપાસ અધિકારીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા તમામ ફોરેન્સિક નમૂનાઓને કેસની તપાસ ઝડપી બનાવવા માટે કેન્દ્રીય પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવશે. અહેવાલો અનુસાર, 3 મેથી શરૂ થયેલી હિંસામાં 160 થી વધુ લોકોના મોત થયા છે. અધિકારીઓ એ પણ કાળજી લઈ રહ્યા છે કે તપાસ કરતી વખતે કોઈ તેમના પર પક્ષપાતનો આરોપ ન મૂકે. આ મામલો બે સમુદાયો વચ્ચેના અથડામણનો છે.