સંસદના શિયાળુ સત્ર દરમિયાન અયોગ્ય વર્તન માટે વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવાના મુદ્દા પર વિચારણા કરવા લોકસભા અને રાજ્યસભાની વિશેષાધિકાર સમિતિઓ આગામી સપ્તાહે મળશે. આ દરમિયાન વિપક્ષના 14 સભ્યોને સસ્પેન્શન મુદ્દે તેમના વિચારો રજૂ કરવાની તક આપવામાં આવશે.
આ 14 સભ્યોમાંથી ત્રણ લોકસભા અને 11 રાજ્યસભાના છે. વિપક્ષના આ સભ્યોને 18 ડિસેમ્બરે તેમના સંબંધિત ગૃહોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમના કેસો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યા છે. રાજ્યસભાની વિશેષાધિકાર સમિતિની બેઠક 9 જાન્યુઆરીએ મળવાની છે, જ્યારે લોકસભાની વિશેષાધિકાર સમિતિની બેઠક 12 જાન્યુઆરીએ યોજાશે.
ભાજપના સભ્ય સુનિલ કુમાર સિંહની અધ્યક્ષતામાં મળેલી લોકસભાની વિશેષાધિકાર સમિતિની બેઠકમાં કોંગ્રેસના ત્રણ લોકસભા સભ્યો – કે. જયકુમાર, અબ્દુલ ખાલીક અને વિજયકુમાર વિજય વસંતને મૌખિક પુરાવા રેકોર્ડ કરવાની તક મળશે. ઉપાધ્યક્ષ હરિવંશની આગેવાની હેઠળની રાજ્યસભાની વિશેષાધિકાર સમિતિએ 9 જાન્યુઆરીએ બેઠક બોલાવી છે, પરંતુ હજુ સુધી સભ્યોને એજન્ડા મોકલવામાં આવ્યો નથી.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં વિપક્ષના 100 સભ્યોએ સંસદની સુરક્ષામાં ભંગના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગણી કરતા હંગામાને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.જેમાંથી 97 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાકીનું શિયાળુ સત્ર સ્થગિત કરવામાં આવ્યું હતું જ્યારે જયકુમાર, અબ્દુલ ખાલિક અને વિજયકુમાર વિજય વસંતનો મુદ્દો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો હતો. કારણ કે આ ત્રણેય જણા પ્રિસાઇડિંગ ઓફિસરની ખુરશી સુધી પહોંચી ગયા હતા.
રાજ્યસભામાં પણ હંગામાને કારણે વિપક્ષના 46 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આમાં 11 સભ્યોનો સમાવેશ થાય છે, જેમનો કેસ ઉપલા ગૃહની વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો હતો.