કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે ભારતની સંસ્કૃતિનો પ્રભાવ દેશની વર્તમાન ભૌતિક સીમાઓ કરતાં ઘણો મોટો છે. ઘણા લોકો જાણતા નથી કે ભારતનો પ્રભાવનો વિસ્તાર આજે છે તેના કરતા ઘણો મોટો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સાંસ્કૃતિક એકીકરણની શરૂઆત કરી છે. કેન્દ્રીય મંત્રી ગુજરાતના પોરબંદર જિલ્લામાં માધવપુર મેળાના ઉદ્ઘાટન સમારોહમાં બોલી રહ્યા હતા.
સમારંભમાં બોલતા રિજિજુએ કહ્યું કે, માધવપુર મેળા જેવા વાઇબ્રન્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો લોકોને એકસાથે લાવે છે અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સિદ્ધાંતને મજબૂત બનાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ ભાગોમાં આ વિષય પર કાર્યક્રમો યોજીને દેશના સાંસ્કૃતિક એકીકરણની શરૂઆત કરી છે.
‘અમારો પ્રભાવ અફઘાનિસ્તાન અને ઇન્ડોનેશિયા સુધી ફેલાયેલો છે’
તેમણે વધુમાં કહ્યું કે, ભારતનો સાંસ્કૃતિક પ્રભાવ તેના વર્તમાન ભૌગોલિક વિસ્તાર કરતાં ઘણો વધારે છે. ભારતના સાંસ્કૃતિક પ્રભાવે તેની અસર કંદહાર (અફઘાનિસ્તાન) અને તક્ષશિલા (પાકિસ્તાન) થી ઇન્ડોનેશિયા અને હિમાલયની બહારના પ્રદેશ પર છોડી દીધી છે. ઘણા લોકોને ખબર નહિ હોય કે આજે આપણે ભારતના નકશા પર જે જોઈએ છીએ તેના કરતા ભારતનું કદ અનેકગણું મોટું છે. એવા ઘણા કારણો છે જેના કારણે આપણે મર્યાદિત ભારત રહી ગયા. કંદહાર (અફઘાનિસ્તાન), તક્ષશિલા (પાકિસ્તાન), ઇન્ડોનેશિયા અને હિમાલયની પેલે પાર પણ અમારો પ્રભાવ છે.” તેમણે કહ્યું કે અમે તિબેટ-ચીન સરહદથી આગળ માનસરોવર અને કૈલાશ સુધી જતા રહ્યા છીએ.
પીએમ મોદી દેશને જોડી રહ્યા છે – રિજિજુ
તેમણે કહ્યું કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ એક ભારત, શ્રેષ્ઠ ભારતની કલ્પનાને જન્મ આપ્યો અને બાકીના ભારતને સાંસ્કૃતિક રીતે જોડવાનું કામ શરૂ કર્યું. રિજિજુએ જણાવ્યું હતું કે માધવપુર મેળામાં ભાગ લેવા માટે પૂર્વોત્તરના લોકો મોટી સંખ્યામાં આવે છે, જે પ્રદેશ અને ગુજરાત વચ્ચેના જૂના સંબંધોને પુનર્જીવિત કરવાનો પ્રયાસ છે.
શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના લગ્નની યાદમાં મેળો
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના વિવાહ નિમિત્તે દર વર્ષે માધવપુર મેળાનું આયોજન કરવામાં આવે છે. તે પૂર્વોત્તર અને પશ્ચિમી રાજ્યોને એકબીજાની નજીક લાવે છે. ભગવાન કૃષ્ણની દંતકથા અનુસાર, તેમણે સમુદ્ર કિનારે આવેલા એક નાનકડા ગામ માધવપુરમાં દેવી રુક્મિણી સાથે લગ્ન કર્યા હતા. રુક્મિણી વિશે એવું કહેવાય છે કે તે ઉત્તર પૂર્વની હતી.