વર્લ્ડ કપ 2023 આ વખતે ભારતમાં યોજાવાનો છે. ICCએ આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં રમાનાર ODI વર્લ્ડ કપ માટે મેદાનની યાદી ફાઈનલ થઈ ગઈ છે. તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. આ યાદીમાં અમદાવાદ, લખનૌ, મુંબઈ અને દિલ્હીની સાથે કોલકત્તાને પણ રાખવામાં આવ્યું છે. આ માટે યાદીમાં 9 મેદાનને સ્થાન આપવામાં આવ્યું છે.
વર્લ્ડ કપ માટે શહેરો કે મેદાનોની યાદી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ક્રિકઇન્ફોના એક સમાચાર અનુસાર વર્લ્ડ કપ માટે 9 શહેરોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ચેન્નાઈ, લખનૌ, મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, કોલકાતા, પુણે, ધર્મશાલાનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર હૈદરાબાદને જગ્યા મળી નથી. હૈદરાબાદના લોકો ક્રિકેટમાં ખૂબ જ રસ ધરાવે છે અને આ શહેરમાં ઘણી યાદગાર મેચો રમાઈ છે. પરંતુ કદાચ આ શહેરનું નામ વર્લ્ડ કપની યાદીમાં સામેલ નથી.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મેચ રમાઈ શકે છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. ટુર્નામેન્ટ 8 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાઈ શકે છે. તે જ સમયે, 11 ઓક્ટોબરે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ શકે છે. ભારતની મેચ પુણે, ધર્મશાલા, લખનૌ અને મુંબઈમાં પણ યોજાશે.
તમને જણાવી દઈએ કે 2014 પછી ભારતને ICC ટાઈટલ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં 4 વખત હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, તે 2014 થી 4 વખત સેમિફાઇનલમાં પણ હારનો સામનો કરી ચુકી છે.