જો આપણને કોઈ મનગમતી વાનગી મળે ત્યારે વારંવાર ખાઈએ છીએ. પણ, અમેરિકામાં એક એવી વ્યક્તિ છે જેણે છેલ્લાં 50 વર્ષમાં લગભગ દરરોજ એક બર્ગર ખાધો છે. આ વ્યક્તિને McDonald’sનો બર્ગર એટલો પસંદ છે કે છેલ્લાં 50 વર્ષથી લગભગ દરરોજ એક Big Mac (McDonald’s Big Mac) બર્ગર ખાય છે. હવે આ વ્યક્તિનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.
મળતી માહિતી મુજબ, 68 વર્ષીય ડૉનાલ્ડ ગોર્સ્કી નામનો આ વ્યક્તિ અમેરિકામાં રહે છે જે એક જેલમાં ગાર્ડ તરીકેની નોકરી કરતો હતો. પણ, હવે તે નિવૃત્ત થઈ ગયો છે, આ વ્યક્તિને McDonald’sનો બર્ગર એટલો પસંદ છે કે લગભગ દરરોજ એક બર્ગર ખાય છે અને ક્યારેક-ક્યારેક તો દિવસના 2 બર્ગર પણ ખાઈ લે છે. તેણે જણાવ્યું કે, તારીખ 17 મે, 1972થી તે લગભગ દરરોજ એક બર્ગર ખાય છે.
આ અમેરિકન વ્યક્તિએ જણાવ્યું કે વર્ષ 1972થી અત્યાર સુધીમાં તે માત્ર 8 દિવસ જ બર્ગરથી દૂર રહ્યો છે. કારણકે, વર્ષ 1982માં એક ભયાનક ચક્રવાતના કારણે તે વિસ્તારનું McDonald’s થોડા સમય માટે બંધ રહ્યું હતું. પછી એક દિવસ તેની માતાનું નિધન થઈ ગયું. આ બંને ઘટનાઓ દરમિયાન આ અમેરિકન વ્યક્તિએ McDonald’s Big Mac બર્ગર નહોતું ખાધું. પહેલી વખત બર્ગર ખાવાનો અનુભવ શેર કરતા આ અમેરિકને જણાવ્યું કે, હું સીધો McDonald’s ગયો હતો કે જ્યાં મેં કુલ 3 McDonald’s Big Mac બર્ગર લીધા. જ્યારે ગાડીમાં બેસીને આ બર્ગર ખાધા ત્યારથી જ નક્કી કર્યું કે હું આજીવન આ McDonald’s Big Mac બર્ગર ખાઈશ. તેણે ઓગસ્ટ, 2021 સુધીમાં લગભગ 32,340 બર્ગર ખાધા હતા.