પવાર
માવઠાના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન થતા રોષની લાગણી, ઘઉં, મેથી, રાયડો, કપાસ, ચણા, જીરૂ વગેરે પાકને મોટુ નુકશાન થતા ખેડૂતોની હાલત કફોડી
ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેતીનો પાક ધોઈ નાખ્યો હોવાનુ જાણવા મળેલ છે. માવઠાના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન થતા રોષની લાગણી જોવા મળી રહી છે. ઘઉં, મેથી, રાયડો, કપાસ, ચણા, જીરૂ વગેરે પાકને મોટુ નુકશાન થતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસ પડેલા કમોસમી વરસાદે ખેતી પાકને ખુબ જ મોટુ નુકશાન કર્યુ હોવાનુ કહેવાય છે. ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, ઘોઘા, ભાલ, પાલિતાણા, જેસર, ગારિયાધાર, સિહોર, વલ્લભીપુર, ઉમરાળા વગેરે પંથકમાં વરસાદી માવઠાના કારણે ખેતી પાકને નુકશાન થયુ હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. શિયાળુ પાકમાં ઘઉં, ચણા, જીરું સહિતના પાકની ખેતી લેવામાં આવે છે, ભાલ પંથકના ખારાપાટમાં ખેડૂતો દ્વારા પારાવાર મુશ્કેલીઓ વચ્ચે ખેતી કરવામાં આવે છે, ત્યારે હાલમા થયેલ કમોસમી વરસાદને કારણે ભાલ સહિતના પંથકમાં ખેતી કરતાં ખેડુતો માટે આ માવઠું પડયાં પર પાટું સમાન સાબિત થયું છે. હાલ રવિ સિઝનની લ્હાણીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે ખેડૂતો ઘઉં, ચણા, જીરું સહિતની ઝણસોના પાક ઉતારી રહ્યાં છે,
ઉપરાંત આવા પાકોની કાપણી પણ હાલમાં શરૂ છે, ત્યારે અચાનક હવામાન બદલાતા અને કમોસમી માવઠાનો માહોલ સર્જાતા ખેડૂતોનાં જીવ પડીકે બંધાયા હતાં.માવઠું થતાં ખેડૂતોના જીરૂ, ઘઉં, ચણા સહિતની ખેત ઝણસો પલળી જતાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેમાં જીરૂના પાકને માવઠાનુ પાણી લાગી જતાં જીરૂનો પાક બરબાદ થઈ ગયો છે, જયારે ઘઉંને પણ વરસાદી પાણી લાગતાં ભારે નુકસાન થવાની શક્યતાઓ જોવાઈ રહી છે, આ વર્ષે રવિ સિઝનની લ્હાણી સુધી વાતાવરણ સામાન્ય રહેતા ખેડૂતોને મોટી આશા બંધાઈ હતી, પરંતુ કુદરતને જાણે કંઈ અલગ જ મંજૂર હોય તેમ માવઠું થતાં ખેડૂતોના મો સુધી આવેલો કોળીયો અચાનક ઝુંટવાઈ ગયો છે, બિયારણનો ખર્ચ, મહેનત અને પરસેવો એક કરી પકવેલી ખેત પેદાશો બરબાદ થઈ જતાં ખેડૂતોને આથક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોને હાલ રોવડાવ્યા છે ત્યારે સરકાર વળતર આપે તેવી માંગ ઉઠી રહી છે.