અમેરિકાનું F-16 ફાઈટર પ્લેન બુધવારે દક્ષિણ કોરિયાના પશ્ચિમ કિનારે ક્રેશ થયું હતું. દક્ષિણ કોરિયાના સ્થાનિક મીડિયાએ યુએસ એરફોર્સને ટાંકીને આ ઘટનાની માહિતી આપી છે.
પાયલટનો જીવ બચી ગયો
એક અહેવાલમાં તેને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પ્લેન ક્રેશ થાય તે પહેલા પ્લેનનો પાયલોટ તેમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. પાયલોટને બચાવી લેવામાં આવ્યો છે. સિયોલથી લગભગ 180 કિલોમીટર દક્ષિણમાં કુન્સન એર બેઝ પર પીળા સમુદ્ર પર લગભગ 8:41 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું.
દક્ષિણ કોરિયા અને અમેરિકન અધિકારીઓના સંયુક્ત પ્રયાસમાં સવારે 9:30 વાગ્યે પાયલોટને ક્રેશ સાઇટ પરથી બહાર કાઢવામાં આવ્યો હતો. યુએસ એરફોર્સના જણાવ્યા અનુસાર, પાયલટની હાલત સ્થિર છે અને પ્લેન ક્રેશ થવાનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે. 8મી ફાઈટર વિંગ કમાન્ડર કર્નલ મેથ્યુ સી. ગેટકેએ જણાવ્યું હતું કે, “અમે દક્ષિણ કોરિયાની બચાવ ટીમ અને પાઈલટનો જીવ બચાવવા માટે અમારી ટીમનો આભાર માનીએ છીએ.” હવે અમે પ્લેન શોધવાનો પ્રયત્ન કરીશું.
એક વર્ષમાં ત્રીજી ઘટના
એક વર્ષમાં ત્રીજી વખત દક્ષિણ કોરિયામાં F-16 ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. ડિસેમ્બરમાં, આઠમી ફાઇટર વિંગનું એક F-16 વિમાન પીળા સમુદ્રમાં ક્રેશ થયું હતું. આ પહેલા મે મહિનામાં અમેરિકાની 51મી ફાઈટર વિંગનું F-16 પ્યોંગટેકના ઓસાન એર બેઝ પર ક્રેશ થયું હતું. જોકે આ બંને અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.