US Police: પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની હત્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોલ્ડી બ્રારની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પરંતુ હવે આ મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે.
અમેરિકન પોલીસે ગોલ્ડી બ્રારની હત્યાના દાવા સાથે જોડાયેલા રિપોર્ટને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. પોલીસનું કહેવું છે કે અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે અમેરિકાના કેલિફોર્નિયામાં જે વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તે ગોલ્ડી બ્રાર નથી. અમને ખબર નથી કે બ્રારની હત્યાની અફવા કેવી રીતે ફેલાઈ. ઇન્ટરનેશનલ ન્યૂઝ વેબસાઈટ્સે અમારા તરફથી કોઈ પુષ્ટિ કર્યા વિના ગોલ્ડી બ્રારની હત્યાના સમાચાર પ્રકાશિત કરવાનું શરૂ કર્યું.
ગોલ્ડી બ્રાર હાલમાં અમેરિકામાં આશ્રય લઈ રહ્યો છે અને ત્યાંથી પંજાબ, દિલ્હી, હરિયાણા અને કેનેડામાં સતત ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. ગોલ્ડી બ્રાર- લોરેન્સ બિશ્નોઈ ગેંગના લોકોની દુશ્મનીના કારણે હવે તે ભારતમાં જ નહીં પરંતુ કેનેડા, ફિલિપાઈન્સ અને રશિયામાં પણ ગેંગ વોરમાં લોહી વહાવી રહ્યો છે.
કોણ છે ગોલ્ડી?
ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનું સાચું નામ સતીન્દર સિંહ ઉર્ફે સતીન્દર સિંહજીત સિંહ છે. ગોલ્ડી પાકિસ્તાનની મદદથી ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ કરે છે. તે અનેક હત્યાઓ અને હથિયારોની દાણચોરીમાં સામેલ હતો. તેને હત્યા માટે શાર્પશૂટર્સ પણ મળી રહ્યા છે. ગોલ્ડીને અગાઉ ગુનેગાર ગણવામાં આવતો હતો પરંતુ આ વર્ષે કેન્દ્ર સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો હતો.
મૂઝવાલા મર્ડર કેસમાં ગોલ્ડી બ્રારનું નામ સામે આવ્યું હતું
કેનેડામાં રહીને ભારતમાં ગુનાહિત પ્રવૃતિઓ આચરનાર ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સામે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી હતી. તેને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ગોલ્ડી, જે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો જમણો હાથ હોવાનું કહેવાય છે, તેને પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. તેમની સૂચના પર જ બિશ્નોઈ ગેંગના સંચાલકોએ ગાયકની હત્યા કરી હતી.
તે વર્ષ 2021માં ભારતથી કેનેડા ભાગી ગયો હતો. ત્યારથી તે ક્યારેક કેનેડામાં તો ક્યારેક અમેરિકામાં રહીને ગુનાહિત અને આતંકવાદી પ્રવૃતિઓ કરી રહ્યો હતો. ત્યાંથી મોડ્યુલ દ્વારા તે પંજાબ સહિત અનેક રાજ્યોમાં ગુનાઓને અંજામ આપે છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં તેને આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલો ગણાવ્યો છે. તમને જણાવી દઈએ કે તપાસ એજન્સીઓને ગોલ્ડી બ્રારનું છેલ્લું લોકેશન અમેરિકામાં જ મળ્યું હતું. મળતી માહિતી મુજબ, ગોલ્ડી નકલી નામથી અમેરિકામાં રહે છે.